અમદાવાદ શહેરમાં સિનિયર સિટિઝન્સને સોફ્ટ ટાર્ગેટ બનાવી છેતરપિંડી કરતી રીઢા ગુનેગારોની એક ગેંગનો અમદાવાદ સાયબર ક્રાઇમ દ્વારા પર્દાફાશ કરવામાં આવ્યો છે. રાજસ્થાનની આ ગેંગના સભ્ય મોહમદ અમઝદની ધરપકડ કરવામાં આવી છે, જે પોતાની ઓળખ ડોક્ટર તરીકે આપી વૃદ્ધોને પોતાની જાળમાં ફસાવતો હતો.


રેકી કરીને કરતા હતા શિકાર

સાયબર ક્રાઇમની તપાસમાં બહાર આવ્યું છે કે, આ ગેંગ ખૂબ જ વ્યવસ્થિત રીતે કામ કરતી હતી. તેઓ અમદાવાદ શહેરના વિવિધ વિસ્તારોમાં ફરીને એવા સિનિયર સિટિઝન્સની રેકી કરતા હતા જેઓ એકલા હોય અથવા જેમને સ્વાસ્થ્ય સંબંધી તકલીફો હોય. ત્યારબાદ, આ ગેંગના સભ્યો પોતે મોટા ડોક્ટર હોવાનું કહી વૃદ્ધોનો વિશ્વાસ જીતતા હતા અને સારવાર કે અન્ય બહાને તેમની પાસેથી મોટી રકમ પડાવતા હતા.

વૃદ્ધા પાસેથી 4 લાખ પડાવ્યા

તાજેતરમાં જ આ ગેંગે એક વૃદ્ધાને નિશાન બનાવી હતી. વાતોમાં ભોળવીને અને ડર બતાવીને આરોપીઓએ વૃદ્ધા પાસેથી કુલ 4 લાખ રૂપિયા પડાવી લીધા હતા. આ બાબતે ફરિયાદ થતા સાયબર ક્રાઇમ એક્શનમાં આવ્યું હતું અને ટેકનિકલ સર્વેલન્સના આધારે મોહમદ અમઝદને દબોચી લીધો છે.

અન્ય આરોપીઓની શોધખોળ શરૂ

પકડાયેલા આરોપી રાજસ્થાનનો વતની છે, અને તેની સાથે આ ગેંગમાં અન્ય કેટલા લોકો સામેલ છે તેની તપાસ ચાલી રહી છે. સાયબર ક્રાઇમ દ્વારા અન્ય ફરાર આરોપીઓને પકડવા માટે ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. પોલીસ દ્વારા અપીલ કરવામાં આવી છે કે, અજાણ્યા વ્યક્તિઓ પર વિશ્વાસ ન કરવો અને ખાસ કરીને સ્વાસ્થ્ય કે નાણાકીય બાબતોમાં સતર્ક રહેવું.


આ પણ વાંચો - Ahmedabad માં ફિઝિયોથેરાપીના નામે અનોખી ઠગાઈ, શરીરમાંથી 'કાળું લોહી' કાઢવાના બહાને 4 લાખ પડાવ્યા


  • Follow us on: