અમદાવાદ શહેરમાં ટ્રાફિક અને અકસ્માતની ઘટનાઓ સતત વધી રહી છે, ત્યારે વસ્ત્રાલ રિંગ રોડ પર આજે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. એક તોતિંગ ટ્રકની અડફેટે આવતા એક્ટિવા ચાલક મહિલાનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. આ ઘટનાને પગલે રિંગ રોડ પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા અને સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો.
એક્ટિવાને મારી જોરદાર ટક્કર
ઘટનાની મળતી માહિતી અનુસાર, ભોગ બનનાર મહિલા પોતાના એક્ટિવા પર વસ્ત્રાલ રિંગ રોડ પરથી પસાર થઈ રહી હતી. તે સમયે પાછળથી પૂરઝડપે આવી રહેલા એક ટ્રક ચાલકે મહિલાની એક્ટિવાને જોરદાર ટક્કર મારી હતી. ટક્કર એટલી ભયાનક હતી કે, મહિલા એક્ટિવા પરથી નીચે પટકાઈ હતી અને ટ્રક નીચે ચગદાઈ જતાં તેનું સ્થળ પર જ મોત નીપજ્યું હતું.
આઈ ડિવિઝન ટ્રાફિક પોલીસે તપાસ હાથ ધરી
અકસ્માતની જાણ થતા જ આસપાસના લોકો દોડી આવ્યા હતા અને પોલીસને જાણ કરી હતી. 'આઈ' ડિવિઝન ટ્રાફિક પોલીસની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને મહિલાના મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે ખસેડવાની તજવીજ હાથ ધરી હતી. પોલીસે ટ્રક ચાલક વિરૂદ્ધ ગુનો નોંધી તેને ઝડપી લેવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે. વસ્ત્રાલ રિંગ રોડ પર અવારનવાર ભારે વાહનોના કારણે નાના વાહન ચાલકો અકસ્માતનો ભોગ બનતા હોય છે.
ટ્રાફિક નિયમોના અમલીકરણ સામે સવાલો
આ જીવલેણ અકસ્માતે ફરી એકવાર માર્ગ સલામતી અને ટ્રાફિક નિયમોના અમલીકરણ સામે સવાલો ઉભા કર્યા છે. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે ટ્રક ચાલક વિરૂદ્ધ કડક કાર્યવાહી કરવાની ખાતરી આપી છે. વારંવાર બનતી અકસ્માતોની ઘટનાને કારણે સ્થાનિક લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. ટ્રાફિકની સમસ્યાનું કાયમી નિરાકરણ લાવવા તેમજ બેફામ વાહન ચલાવતા લોકો સામે કાર્યવાહી કરવાની માગ સ્થાનિક લોકો દ્વારા કરવામાં આવી છે.
આ પણ વાંચો - Ahmedabad News: સાણંદમાં કેટરર્સના વેઈટરોનો આતંક, ડેકોરેશનના કારીગરો પર છરી વડે હુમલો