અમરેલી જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી રહી હોય તેમ લાગી રહ્યું છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીના ગરમાવા વચ્ચે અમરેલી જિલ્લામાં ગુનેગારો બેફામ બન્યા છે. વડિયા તાલુકાના બરવાળા બાવીશી ગામમાં ટ્રેક્ટર ચલાવવા જેવી નજીવી બાબતના ઠપકાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા એક પરપ્રાંતી મજૂરે યુવકની પાઇપ અને પથ્થરોના ઘા મારી કરપીણ હત્યા નિપજાવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે.


ઠપકો આપી પરત ફરતા યુવક પર હુમલો

ઘટનાની મળતી માહિતી મુજબ, બરવાળા ગામના રહેવાસી અશોકભાઈ (કર્ણદેવ) વાળા નામના વ્યક્તિએ તેમની વાડીમાં કામ કરતા મધ્યપ્રદેશના પરપ્રાંતી મજૂર રવિ કારોલિયાને ટ્રેક્ટર સરખી રીતે ચલાવવા બાબતે ઠપકો આપ્યો હતો. ઠપકો આપીને કર્ણદેવભાઈ જ્યારે પરત ફરી રહ્યા હતા, ત્યારે ઉશ્કેરાયેલા મજૂર રવિએ પાછળથી હુમલો કર્યો હતો. લોખંડની પાઇપ અને પથ્થરોના જીવલેણ ઘા મારીને તેણે કર્ણદેવભાઈની નિર્મમ હત્યા કરી નાખી હતી.

કાઠી ક્ષત્રિય સમાજમાં શોક, પોલીસની તપાસ શરૂ

આ કરૂણ ઘટનાને પગલે કાઠી ક્ષત્રિય સમાજમાં ભારે રોષ અને શોકની લાગણી વ્યાપી ગઈ છે. ઘટનાની જાણ થતા જ વડિયા પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે ખસેડી હત્યાનો ગુનો નોંધ્યો હતો. આરોપી મજૂર રવિ કારોલિયા હાલ ફરાર છે, જેને પકડવા માટે પોલીસે અલગ-અલગ ટીમો બનાવીને ચક્રો ગતિમાન કર્યા છે.

અમરેલી જિલ્લામાં અઠવાડિયામાં ત્રીજી હત્યા

ચિંતાજનક વાત એ છે કે, અમરેલી જિલ્લામાં છેલ્લા એક અઠવાડિયામાં હત્યાની આ ત્રીજી ઘટના છે. અગાઉ લીલીયાના સનળીયામાં અને રાજુલાના ભાક્ષી ગામમાં પણ હત્યાના બનાવો બન્યા હતા. સતત બની રહેલી ગુનાહિત ઘટનાઓને પગલે પોલીસની કામગીરી સામે પણ સવાલો ઉઠી રહ્યા છે.


આ પણ વાંચો - Amreli: બગસરામાં ટેકાના ભાવે ખરીદીનો ધમધમાટ, ચણાની સાથે હવે રાયડાની ખરીદી પણ શરૂ


  • Follow us on: