અમરેલી
જિલ્લાના લાઠી શહેરમાંથી દારૂબંધીના કાયદાના લીરેલીરા ઉડાવતી એક ઘટના સામે આવી છે. લાઠી સિવિલ હોસ્પિટલના પાછળના ભાગે ઉભેલી એક ફોર વ્હીલ કારમાંથી લાઠી પોલીસે વિદેશી દારૂની કુલ 238 નંગ બોટલો ઝડપી પાડી છે. પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે આ દરોડો પાડવામાં આવ્યો હતો, જેમાં સરકારી સંસ્થાના પટાંગણનો દારૂ છુપાવવા માટે ઉપયોગ થતો હોવાનું ખુલતા ચકચાર મચી ગઈ છે.સિવિલ હોસ્પિટલના કોન્ટ્રાક્ટ કર્મચારીની સંડોવણી
પોલીસ તપાસમાં ચોંકાવનારી વિગત સામે આવી છે કે, જે કારમાંથી દારૂનો જથ્થો મળ્યો છે તે સિવિલ હોસ્પિટલમાં જ ડાયાલિસિસ વિભાગમાં કોન્ટ્રાક્ટ બેઝ પર ફરજ બજાવતા પૃથ્વીરાજ મોડાવડીયા નામની વ્યક્તિની છે. હોસ્પિટલના પટાંગણમાં જ સેવાના ઓઠા હેઠળ આ ગેરકાયદેસર પ્રવૃત્તિ ચાલી રહી હોવાની માહિતી મળતા સ્થાનિક આરોગ્ય વિભાગમાં પણ દોડધામ મચી ગઈ છે. ડાયાલિસિસ વિભાગ જેવા સંવેદનશીલ વિભાગ સાથે સંકળાયેલા કર્મચારીનું નામ ખુલતા અનેક સવાલો ઉભા થયા છે.













