અમરેલી જિલ્લાના ધારી તાલુકાના ગોપાલગ્રામ નજીક આજે એક મોટી દુર્ઘટના ઘટતા રહી ગઈ છે. ધારીની ઓ.પી. ઝાટકીયા હાઈસ્કૂલની વિદ્યાર્થીઓ ભરેલી બસ અચાનક ચાલકે બેલેન્સ ગુમાવી દેતા રોડની સાઈડમાં નીચે ઉતરી ગઈ હતી. બસમાં સવાર વિદ્યાર્થીઓમાં અકસ્માતને પગલે ચીસાચીસ મચી ગઈ હતી, પરંતુ સદનસીબે તમામ વિદ્યાર્થીઓ સુરક્ષિત છે.
20 વિદ્યાર્થીઓને સામાન્ય ઈજાઓ, સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા
આ અકસ્માતમાં આશરે 20 જેટલા વિદ્યાર્થીઓને નાની-મોટી અને સામાન્ય ઈજાઓ પહોંચી છે. ઈજાગ્રસ્ત વિદ્યાર્થીઓને તાત્કાલિક અસરથી નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતની જાણ થતા જ આસપાસના સ્થાનિક લોકો પણ વિદ્યાર્થીઓની વ્હારે દોડી આવ્યા હતા. મોટી જાનહાનિ ટળતા વાલીઓ અને શાળા તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે.













