બનાસકાંઠા જિલ્લામાં દારૂની પ્રવૃત્તિઓને નેસ્તનાબૂદ કરવાના અભિયાન હેઠળ એલસીબી પાલનપુરની ટીમ દ્વારા થરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં મોટી કાર્યવાહી કરવામાં આવી છે. મળેલી ચોક્કસ બાતમીના આધારે પોલીસે વિદેશી દારૂ અને બિયરના જથ્થા સાથે એક હોન્ડાઈ વેન્યુ ગાડી ઝડપી લીધી છે.


ફિલ્મી ઢબે પીછો અને અકસ્માત

એલસીબી પાલનપુરની ટીમને બાતમી મળી હતી કે, એક સફેદ રંગની વેન્યુ ગાડી (નંબર GJ-18-BS-3529) માં વિદેશી દારૂ ભરીને થરા ટોટાણા ધરનાળા થઈ ખારીયા તરફ જવાની છે. આ બાતમીના આધારે પોલીસે નાકાબંધી કરી હતી. જોકે, કાર ચાલકે ગાડી ઉભી રાખવાને બદલે ખારીયા તરફ ભગાડી મૂકી હતી. પોલીસે ખાનગી વાહનોમાં પીછો કરતા ચાલકે સિયા ગામ પાસે સ્ટેરિંગ પરનો કાબૂ ગુમાવતા ગાડી અકસ્માતગ્રસ્ત થઈ હતી અને ચાલક ગાડી મૂકીને નાસી છૂટ્યો હતો.

લાખોનો મુદ્દામાલ જપ્ત

પોલીસ દ્વારા અકસ્માતગ્રસ્ત વેન્યુ ગાડીની તલાશી લેતા તેમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂ અને બિયરની કુલ 668 બોટલો મળી આવી હતી, જેની કિંમત રૂપિયા 1,96,268 થાય છે. પોલીસ દ્વારા રૂપિયા 5,00,000 ની કિંમતની હોન્ડાઈ વેન્યુ ગાડી અને દારૂ મળી કુલ રૂપિયા 6,96,268 નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.

પોલીસ કાર્યવાહી

આ સમગ્ર મામલે થરા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ કામગીરી એલસીબીના પી. આઈ. એ.વી.દેસાઈના માર્ગદર્શન હેઠળ તેમની ટીમ દ્વારા કરવામાં આવી હતી.


આ પણ વાંચો - Banaskantha News: 4 વાહનો વચ્ચે ગોઝારો અકસ્માત, 6થી વધુ ઇજાગ્રસ્ત


  • Follow us on: