બનાસકાંઠા જિલ્લામાં નશાના કાળા કારોબાર સામે પોલીસે લાલ આંખ કરી છે. હડાદ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી 14 કિલોથી વધુ નશાકારક પદાર્થ ગાંજા સાથે પાંચ ઈસમોને ઝડપી લઈ પોલીસને મોટી સફળતા મળી છે. પકડાયેલા મુદ્દામાલની કુલ કિંમત 12.66 લાખ રૂપિયાથી વધુ હોવાનું સામે આવ્યું છે.
શું છે સમગ્ર ઘટના?
બનાસકાંઠા પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણા અને સરહદી રેન્જ આઈજી ચિરાગ કોરડિયાની સૂચના મુજબ માદક પદાર્થોની હેરાફેરી અટકાવવા ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન હડાદ પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે વોચ ગોઠવીને પાંચ શખ્સોને ઝડપી લેવામાં આવ્યા હતા.
તપાસ દરમિયાન તેમની પાસેથી 14 કિલો 630 ગ્રામની કિંમત અંદાજે રૂપિયા 731500 અને એક સ્વિફ્ટ કાર કિંમત 500000 રૂપિયા જપ્ત કરવામાં આવી છે. આ સાથે મોબાઈલ ફોન, રોકડ અને દસ્તાવેજો મળી કુલ રૂપિયા 1266500 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.
પકડાયેલા આરોપીઓની યાદી
પડકાયેલા આરોપીઓમાં સુરજસિંહ શંકરસિંહ ચાવડા (રહે. સમોવ, ગાંધીનગર), વિશાલભાઈ કિર્તીભાઈ ચાવડા (રહે. માંડવી, પાટણ), કુલદિપસિંહ ઈશ્વરસિંહ ગોર (રહે. અમદાવાદ, હાલ રહે. ગાંધીનગર), જયભાઈ શંકરભાઈ પટેલ (રહે. નવા નરોડા, અમદાવાદ) અને મહેન્દ્રસિંહ લાલસિંહ ચાવડા (રહે. સમોવ, ગાંધીનગર)નો સમાવેશ થાય છે. આ ઉપરાંત, આ જથ્થો આપનાર અને મંગાવનાર અન્ય 3 શખ્સોને પકડવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.
પોલીસની કામગીરી
આ સફળ ઓપરેશનમાં હડાદ પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પીએસઆઈ જે.આર. દેસાઈ, પી.એસ.આઈ. એન.એમ. સોલંકી અને તેમની ટીમનો મહત્વનો ફાળો રહ્યો હતો. હાલમાં તમામ આરોપીઓ વિરૂદ્ધ NDPS એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
આ પણ વાંચો - Banaskantha : વડગામના પસવાદળ ગામે પૌરાણિક વિરપાનાથ દાદાના મંદિરે ચોરી, ચાંદીના મુઘટ, ચાંદીનું છત્ર સહિતની ચોરી કરી તસ્કરો ફરાર