બનાસકાંઠા જિલ્લાના ડીસા પંથકમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર લગામ કસવા માટે પોલીસ એક્શન મોડમાં આવી છે. ડીસા રૂરલ પોલીસ દ્વારા ચોક્કસ બાતમીના આધારે વરનોડા ગામમાં રેડ કરવામાં આવી હતી. આ રેડ દરમિયાન મોટા પાયે ચાલતી દેશી દારૂની ભઠ્ઠીનો પર્દાફાશ કર્યો છે. આ કાર્યવાહી દરમિયાન પોલીસે દારૂ બનાવવાનો કાચો માલ અને સાધન-સામગ્રી જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


બુટલેગર ચપુજી ઠાકોર વિરૂદ્ધ ગુનો દાખલ

પોલીસની રેડ દરમિયાન વરનોડા ગામમાં દેશી દારૂની ભઠ્ઠી ચલાવનાર આરોપી ચપુજી ઠાકોર સામે ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસને ઘટના સ્થળેથી દારૂ બનાવવાની ભઠ્ઠી તેમજ દેશી દારૂ ગાળવા માટે વપરાતી સામગ્રી મળી આવી હતી, જે પોલીસે કબ્જે લીધી છે. આ કાર્યવાહીને પગલે બુટલેગરોમાં ફફડાટ વ્યાપી ગયો છે.

વધુ કડક તપાસની જરૂરિયાત

સ્થાનિકોમાં ચર્ચા છે કે, ડીસા પંથકના અનેક ગામડાઓમાં હજુ પણ છૂપી રીતે દેશી દારૂની ભઠ્ઠીઓ ધમધમી રહી છે. ગ્રામીણ વિસ્તારોમાં દેશી દારૂનું વેચાણ અને ઉત્પાદન વધતા યુવાધન બરબાદ થઈ રહ્યું છે. લોકોની માગ છે કે, જો ડીસા પોલીસ દ્વારા હજુ પણ ઊંડાણપૂર્વક અને કડક સર્ચ ઓપરેશન ચલાવવામાં આવે, તો અનેક મોટા અડ્ડાઓ અને ભઠ્ઠીઓ મળી આવે તેમ છે. હાલમાં તો રૂરલ પોલીસે વરનોડા કેસમાં ગુનો નોંધી આરોપી સામે તપાસ તેજ કરી છે અને આગામી દિવસોમાં પણ આ પ્રકારની ડ્રાઈવ ચાલુ રાખવાના સંકેતો આપ્યા છે.


આ પણ વાંચો - Banaskantha News: સુઈગામ GRD ભરતીમાં કૌભાંડ, ક્લાર્ક સહિત 14 સામે ફરિયાદ નોંધાઈ


  • Follow us on: