બનાસકાંઠા જિલ્લાના સુઈગામ પોલીસ સ્ટેશન હેઠળના ગ્રામ રક્ષક દળ (GRD) માં મોટું ભરતી કૌભાંડ આચરવામાં આવ્યું હોવાનો પર્દાફાશ થયો છે. નકલી સભ્યો ઊભા કરી અને સગીર વયના યુવાનોની ઓળખ છુપાવીને સરકારી તિજોરીને લાખો રૂપિયાનું નુકસાન પહોંચાડવાના આક્ષેપ સાથે 14 શખ્સો વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
ઓળખ છુપાવી સગીરોની ભરતી
સુઈગામ GRD ભરતી કૌભાંડમાં સૌથી ચોંકાવનારી બાબત એ છે કે, જે સગીરોની ઉંમર ભરતી માટે માન્ય નથી, તેમની ઓળખ છુપાવીને GRD માં ભરતી કરી દેવામાં આવી હતી. આ સગીરો અને અન્ય નકલી સભ્યોના નામે ખોટા આઈકાર્ડ બનાવવામાં આવ્યા હતા અને તેઓ ફરજ પર હાજર ન હોવા છતાં તેમની ખોટી હાજરી પુરાવીને નિયમિત પગાર મેળવી સરકારી નાણાંની ઉચાપત કરવામાં આવતી હતી.













