બનાસકાંઠાના થરા શહેરમાં રખડતા ઢોરના ત્રાસની વધુ એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. શહેરના જાહેર માર્ગ પરથી પસાર થઈ રહેલી એક મહિલા અને તેના નાના બાળક પર એક બેફામ આખલાએ જીવલેણ હુમલો કર્યો હતો. આ ઘટનાના સીસીટીવી ફૂટેજ સોશિયલ મીડિયામાં વાયરલ થતા લોકોમાં ફફડાટ અને રોષ જોવા મળી રહ્યો છે. એક મહિલા પોતાના નાના બાળકને લઈને રસ્તા પરથી પસાર થઈ રહી હતી, ત્યારે અચાનક એક આખલાએ તેમની પાછળ દોડીને હુમલો કર્યો હતો.
આખલાએ મહિલા અને બાળક પર કર્યો હુમલો
આખલાએ મહિલાને અડફેટે લીધી હતી અને તેના નાના બાળકને શિંગડે ચડાવી હવામાં ઉછાળ્યો હતો. આ દ્રશ્યો એટલા ભયાનક હતા કે આસપાસના લોકો પણ સ્તબ્ધ થઈ ગયા હતા. આ હુમલામાં મહિલા અને બાળક બંનેને શરીરે ગંભીર ઈજાઓ પહોંચી છે. ઘટનાસ્થળે હાજર લોકોએ તાત્કાલિક દોડી આવીને આખલાના ચુંગાલમાંથી બંનેને બચાવ્યા હતા અને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડ્યા હતા. હાલમાં બંનેની સારવાર ચાલી રહી છે, પરંતુ બાળકની હાલત જોતા નગરજનોમાં વહીવટી તંત્ર સામે ભારે નારાજગી જોવા મળી રહી છે.













