બનાસકાંઠા જિલ્લાના દિયોદર પોલીસ સ્ટેશનમાં પોલીસની કાર્યશૈલી સામે સવાલ ઉઠાવતી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. ન્યાયની આશાએ દિયોદર પોલીસ મથકે આવેલી એક પીડિત મહિલાએ જ્યારે પોલીસ સ્ટેશનના પગથિયાં પાસે જ ઝેરી દવા પી આત્મહત્યાનો પ્રયાસ કરતા સમગ્ર પંથકમાં ખળભળાટ મચી જવા પામ્યો છે.


દિયોદર પોલીસે ફરિયાદ ન લીધી હોવાનો આક્ષેપ

ઘટનાની મળતી માહિતી અનુસાર, રેખાબેન વાલ્મીકિ નામની મહિલા પોતાની કોઈ રજૂઆત અથવા ફરિયાદ માટે દિયોદર પોલીસ સ્ટેશન પહોંચી હતી. જોકે, ત્યાં હાજર પોલીસ કર્મચારીઓએ તેની ફરિયાદ લેવાનો ઇન્કાર કર્યો હોવાનો તેના પરિવારજનો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે. વારંવારની રજૂઆત છતાં પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં ન આવતા આખરે લાચાર બનેલી રેખાબેને પોલીસ સ્ટેશનના દરવાજા બહાર જ ઝેરી દવા ગટગટાવી જીવન ટૂંકાવવાનો પ્રયાસ કર્યો હતો.

તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડાઈ

મહિલાએ ઝેરી દવા પીતા જ દિયોદર પોલીસ સ્ટેશન પરિસરમાં અફરાતફરી મચી ગઈ હતી. પોલીસ અને ત્યાં હાજર લોકોએ તુરંત જ 108 એમ્બ્યુલન્સને જાણ કરી હતી. ગંભીર હાલતમાં મહિલાને દિયોદરની સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવી છે, જ્યાં તેની હાલત અત્યંત નાજુક હોવાનું જાણવા મળી રહ્યું છે.




પોલીસ સામે ઉઠ્યા સવાલો

દિયોદર પોલીસ સ્ટેશનના પ્રાંગણમાં જ આવી ઘટના બનતા અનેક પ્રશ્નો ઉભા થયા છે. શું સામાન્ય નાગરિકની ફરિયાદ સાંભળવામાં તંત્ર ઉણું ઉતરી રહ્યું છે? પીડિતાને આપઘાત કરવા સુધીનું આત્યંતિક પગલું કેમ ભરવું પડ્યું? આ ઘટના બાદ ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા તપાસના આદેશ અપાયા છે, પરંતુ પરિવારજનોમાં પોલીસની બેદરકારીને લઈ ભારે રોષ જોવા મળી રહ્યો છે.


આ પણ વાંચો - Banaskantha News : વીજળીના ઝટકાથી પગ કપાયા, હવે વીજળી વેગે દોડતો થયો છે બનાસકાંઠાનો આ ગગદાસ, વાંચો Inside Story



  • Follow us on: