બોટાદ જિલ્લામાં આવેલા પ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુર હનુમાનજી મંદિર ખાતે દિવાળીના તહેવારો દરમિયાન થયેલી રોકડ રકમની ચોરીના ગુનાનો બરવાળા પોલીસ દ્વારા પર્દાફાશ કરવામાં આવ્યો છે. બરવાળા પોલીસે બાતમીના આધારે તપાસ હાથ ધરી આ 'અનડીટેક્ટ' ગુનામાં સંડોવાયેલી બે મહિલા આરોપીઓની ધરપકડ કરી તેમની પાસેથી ચોરીના રૂપિયા બે લાખ રોકડા કબ્જે કર્યા છે.


તહેવારની ભીડનો લાભ ઉઠાવી કરી હતી ચોરી

દિવાળીના પવિત્ર તહેવાર દરમિયાન સાળંગપુર મંદિરે શ્રદ્ધાળુઓનો ભારે ધસારો હોય છે. આ ભીડનો ગેરલાભ ઉઠાવીને તસ્કરોએ રોકડ રકમની ચોરી કરી હતી. આ મામલે બરવાળા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાયા બાદ પોલીસની અલગ-અલગ ટીમો તપાસમાં જોડાઈ હતી. ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી પોલીસે આરોપીઓ સુધી પહોંચવામાં સફળતા મેળવી છે.

દાહોદની મહિલાઓની ધરપકડ

પકડાયેલી મહિલા આરોપીઓ મૂળ દાહોદ જિલ્લાની હોવાનું સામે આવ્યું છે. ધરપકડ કરાયેલ આરોપીઓમાં રવિના (રહે. વરમખેડા ગામ, ગળાવ ફળીયું, જિલ્લો દાહોદ) અને શારદા (રહે. વરમખેડા ગામ, ગળાવ ફળીયું, જિલ્લો દાહોદ)નો સમાવેશ થાય છે. પોલીસે આ બંને મહિલાઓ પાસેથી ચોરી કરેલી તમામ રકમ એટલે કે રૂપિયા 2 લાખનો મુદ્દામાલ રિકવર કર્યો છે.

બરવાળા પોલીસની પ્રશંસનીય કામગીરી

કોઈપણ મજબૂત કડી વગરના આ ગુનાને ઉકેલવો પોલીસ માટે પડકારજનક હતો, પરંતુ બરવાળા પોલીસ ટીમે ચોકસાઈપૂર્વક તપાસ કરીને ગણતરીના દિવસોમાં જ આરોપીઓને ઝડપી પાડ્યા છે. આ સફળતાથી યાત્રાળુઓમાં પણ સુરક્ષાની ભાવના પ્રબળ બની છે. પોલીસ હવે એ દિશામાં તપાસ કરી રહી છે કે, આ મહિલાઓએ અન્ય કોઈ મંદિરો કે ભીડભાડવાળી જગ્યાએ ચોરીની ઘટનાઓને અંજામ આપ્યો છે કે કેમ.


આ પણ વાંચો - Botad: સાળંગપુર નજીક ગુંદા ચોકડી પાસે કાર અને ડમ્પર વચ્ચે ટક્કર, બે લોકો ઈજાગ્રસ્ત


  • Follow us on: