બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના ઉગામેડી ગામે સામાન્ય બાબતમાં હિંસક હુમલો થયો હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. ગાડી પાર્કિંગ જેવી ક્ષુલ્લક બાબતે થયેલી બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા પાઉંભાજીની દુકાન ચલાવતા વેપારી પર એક જ પરિવારના ત્રણ સભ્યોએ મળીને હુમલો કર્યો હતો. આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ હવે સામે આવ્યા છે.
પાર્કિંગ બાબતે થઈ હતી બોલાચાલી
ઘટનાની મળતી માહિતી અનુસાર, ઉગામેડી ગામે આવેલી 'ભૈરવનાથ પાઉંભાજી' નામની દુકાન પાસે બે દિવસ પહેલા ગાડી પાર્કિંગ કરવા બાબતે વિવાદ થયો હતો. દુકાનદાર રાજુભાઈ જાટ અને સામે પક્ષે હિંમતભાઈ વચ્ચે બોલાચાલી થઈ હતી. આ સામાન્ય ઝઘડો જોતજોતામાં હિંસક બની ગયો હતો અને હિંમતભાઈ સહિત તેમના પરિવારે દુકાનદાર પર હુમલો કરી દીધો હતો.
એક જ પરિવારના ત્રણ સભ્યો સામે ફરિયાદ
દુકાનદાર રાજુભાઈ જાટે આ મામલે ગઢડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. જેમાં જણાવ્યા અનુસાર, હિંમતભાઈ નાગજીભાઈ, તેમના પુત્ર લાલાભાઈ ઉર્ફે લાલો અને હિંમતભાઈની પત્ની એમ ત્રણેય જણાએ મળીને તેમને ગડદાપાટુનો માર માર્યો હતો. હુમલાની આ સમગ્ર ઘટના દુકાનમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે, જેમાં આરોપીઓ ઉશ્કેરાયેલા જોવા મળી રહ્યા છે.
પોલીસ કાર્યવાહી
ગઢડા પોલીસે આ મામલે રાજુભાઈની ફરિયાદના આધારે ત્રણેય આરોપીઓ વિરૂદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ 115(2), 352, 351(3), 54 તથા જી.પી. એક્ટ કલમ 135 હેઠળ ગુનો નોંધીને કાયદેસરની તપાસ હાથ ધરી છે. સીસીટીવી ફૂટેજને આધારે પોલીસ હવે વધુ પુરાવા એકત્ર કરી રહી છે.
આ પણ વાંચો - Botad News : કેન્દ્રીય રાજ્યમંત્રી નિમુબેન બાંભણીયાએ બોટાદ ખાતે ડો.આંબેડકર ભવનનું ખાતમુહૂર્ત કર્યું