છોટા ઉદેપુર જિલ્લાના બોડેલી નજીક નર્મદા કેનાલના માર્ગ પર દારૂની હેરાફેરી કરતા બુટલેગરો માટે અકસ્માત જેલનું સરનામું બન્યો છે. પૂરઝડપે બાઇક હંકારી રહેલા એક બુટલેગરે લગ્ન પ્રસંગમાં જઈ રહેલા પરિવારની કારને ટક્કર મારતા સમગ્ર મામલો બહાર આવ્યો હતો.


લગ્ન પ્રસંગમાં જતા પરિવારની કારને મારી ટક્કર

ઘટનાની મળતી માહિતી અનુસાર, છોટા ઉદેપુર જિલ્લામાં બોડેલી નજીક આવેલા અલ્હાદપુરા ગામ પાસે નર્મદા કેનાલના મુખ્ય માર્ગ પર એક બુટલેગર પોતાની બાઇક પર દારૂનો જથ્થો લઈને પૂરઝડપે પસાર થઈ રહ્યો હતો. આ દરમિયાન તેણે સામેથી આવી રહેલી એક કારને જોરદાર ટક્કર મારી હતી. કારમાં સવાર પરિવાર લગ્ન પ્રસંગમાં જઈ રહ્યો હતો. ટક્કર એટલી જોરદાર હતી કે, બાઇક સવાર બુટલેગર રોડ પર સ્લીપ ખાઈ ગયો હતો અને તેની પાસે રહેલી વિદેશી દારૂની બોટલો રસ્તા પર વેરાઈ ગઈ હતી.

કારચાલકની સમયસૂચકતા

અકસ્માતને પગલે કારને નુકસાન પહોંચ્યું હતું. જોકે, કારચાલકે રોડ પર વિખેરાયેલી દારૂની બોટલો જોઈને તુરંત જ પોલીસને જાણ કરી હતી. બનાવની જાણ થતા જ પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને અકસ્માત સર્જનાર બુટલેગરને દારૂના જથ્થા સાથે ઝડપી લીધો હતો.

નર્મદા કેનાલ માર્ગ બન્યો બુટલેગરોનો અડ્ડો

સ્થાનિકોના જણાવ્યા મુજબ, બોડેલી પાસેથી પસાર થતી નર્મદા કેનાલનો મુખ્ય માર્ગ દારૂની હેરાફેરી કરતા ખેપિયાઓ માટે ફેવરિટ રૂટ બની ગયો છે. અંતરિયાળ માર્ગ હોવાથી બુટલેગરો અહીંથી બેફામ રીતે વાહનો હંકારી દારૂની હેરાફેરી કરતા હોય છે. હાલ પોલીસે આરોપી વિરૂદ્ધ અકસ્માત અને પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.


આ પણ વાંચો - Chhota Udepur: દારૂનું કટિંગ ચાલતુ હતું અને પોલીસ આવી, મોંઘી ગાડીએ સહિત 55 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો


  • Follow us on: