રાજકોટના ગોંડલ શહેરમાં મકર સંક્રાંતિના પવિત્ર પર્વ પર માતમ છવાઈ ગયો છે. ગોંડલના ભગવતપરા ગેટ વાળી શેરીમાં પતંગ ચગાવવા જેવી નજીવી બાબતે બે પરિવારો વચ્ચે થયેલી બોલાચાલીએ હિંસક સ્વરૂપ ધારણ કરતા એક આશાસ્પદ યુવકની હત્યા કરવામાં આવી છે. આ લોહિયાળ જંગમાં અન્ય ત્રણ લોકો પણ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે.
પતંગની ખેંચતાણ બની જીવલેણ
ઘટનાની મળતી માહિતી અનુસાર, ભગવતપરા વિસ્તારમાં એક જ સમાજના બે પરિવારો પોતપોતાની અગાસી પર પતંગ ચગાવી રહ્યા હતા. તહેવારના હર્ષોલ્લાસ વચ્ચે પતંગ ચગાવવા બાબતે બંને પરિવારો વચ્ચે કોઈ કારણોસર ઉગ્ર બોલાચાલી થઈ હતી. જોતજોતામાં મામલો એટલો બિચક્યો કે બંને પક્ષો તીક્ષ્ણ હથિયારો સાથે સામસામે આવી ગયા હતા.
સારવાર મળે તે પહેલાં યુવકે દમ તોડ્યો
આ હિંસક અથડામણમાં 30 વર્ષીય અનિલભાઈ પૂંજાભાઈ લુણસિયા પર તીક્ષ્ણ હથિયારથી હુમલો કરવામાં આવ્યો હતો. હુમલામાં કુલ 4 લોકોને ઇજાઓ પહોંચતા તમામ ઇજાગ્રસ્તોને તાત્કાલિક ગોંડલ સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા. જ્યાંથી અનિલભાઈની હાલત નાજુક જણાતા તેમને વધુ સારવાર માટે રાજકોટ રિફર કરવામાં આવ્યા હતા. જોકે, રાજકોટ પહોંચતા પહેલા રસ્તામાં જ અનિલભાઈનું મોત નીપજતા સમગ્ર બનાવ હત્યામાં પલટાયો હતો.
પોલીસનો કાફલો ઘટના સ્થળે
હત્યાની આ ઘટનાને પગલે ગોંડલ અને રાજકોટ પોલીસનો કાફલો હોસ્પિટલ અને ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. મૃતકના શબને ફોરેન્સિક પોસ્ટ મોર્ટમ માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ મોકલવામાં આવ્યો છે. હાલ પોલીસે આ મામલે ગુનો નોંધી આરોપીઓને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે. તહેવારના દિવસે થયેલી આ હત્યાથી ગોંડલમાં ભારે તંગદિલી અને શોકનું મોજું ફરી વળ્યું છે.
આ પણ વાંચો - Rajkot News : ઉપલેટામાં અસામાજિક તત્વોનો આતંક, ઉત્તરાયણની મજા વચ્ચે ગામમાં તોડફોડ કરી મચાવ્યો હોબાળો