પંચમહાલ જિલ્લાની હાલોલ નગરપાલિકામાં એક મોટું 'ડિજિટલ' કૌભાંડ આચરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે. હાલોલ નગરપાલિકામાં ટેક્સ ભરતા નાગરિકોની પાવતીઓ સોફ્ટવેરમાંથી ગાયબ કરી લાખો રૂપિયાની ઉચાપત કરવામાં આવી છે. આ ગંભીર મામલે ચીફ ઓફિસર ગૌરાંગ પટેલે લાલ આંખ કરી હાલોલ ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.


શું છે સમગ્ર હાઈટેક ખેલ?

હાલોલ નગરપાલિકામાં ટેક્સ વસૂલાત માટે ઉપયોગમાં લેવાતા સોફ્ટવેર અને ડિજિટલ પેમેન્ટ સિસ્ટમ સાથે છેડછાડ કરવામાં આવી હોવાનું બહાર આવ્યું છે. પ્રાથમિક તપાસ મુજબ, રજિસ્ટર થયેલી ડિજિટલ પાવતીઓને ડેટામાંથી ડિલીટ કરી દેવામાં આવતી હતી અને તે નાણાં પાલિકાના તિજોરીમાં જમા કરાવવાને બદલે ચાઉં કરી દેવામાં આવતા હતા. હાલમાં રૂપિયા 2 લાખથી વધુની ઉચાપત સામે આવી છે, પરંતુ આ આંકડો હજુ પણ મોટો હોવાની આશંકા છે.

સિલ્વર ટચ એજન્સી શંકાના ઘેરામાં

આ કૌભાંડમાં પાલિકામાં કાર્યરત સિલ્વર ટચ એજન્સી અને કરાર આધારિત કર્મચારીઓની મિલીભગત હોવાની પ્રબળ શક્યતા છે. સવાલ એ ઉઠી રહ્યા છે કે, શું આ સોફ્ટવેરની ટેકનિકલ ખામી છે કે, પછી જાણીજોઈને કરવામાં આવેલું 'સેટિંગ'? ચીફ ઓફિસર ગૌરાંગ પટેલે આ મામલે કડક વલણ અપનાવી પોલીસ ફરિયાદ નોંધાવતા ભ્રષ્ટ કર્મચારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે.




પોલીસ તપાસમાં ખુલશે મોટા રહસ્યો

હાલોલ ટાઉન પોલીસે આ મામલે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ ખેલ કેટલા સમયથી ચાલી રહ્યો હતો અને તેમાં કયા મોટા માથાઓ સામેલ છે, તે પોલીસ તપાસ બાદ જ સ્પષ્ટ થશે. ડિજિટલ ઇન્ડિયાના યુગમાં ડિજિટલ પ્લેટફોર્મનો ઉપયોગ કરીને જ થયેલી આ ચોરીએ અનેક સવાલો ઉભા કર્યા છે.


આ પણ વાંચો - Panchmahal : ગોધરામાં વ્યાજખોરનો આતંક, 1.26 લાખ સામે 5 લાખ ચુકવ્યા હોવા છતાં માનસિક ત્રાસ આપતા યુવકે ફિનાઇલ પીધું


  • Follow us on: