જામનગર શહેરના અત્યંત વ્યસ્ત એવા શાક માર્કેટ વિસ્તારમાં આજે તે સમયે અફરાતફરી મચી ગઈ હતી, જ્યારે એક ઓટો રિક્ષામાંથી અજાણી મહિલાનો મૃતદેહ મળી આવ્યો હતો. ધોળે દિવસે ભીડભાડ વાળા વિસ્તારમાં રિક્ષામાં મૃતદેહ મળી આવતા સમગ્ર પંથકમાં ચકચાર જાગી છે અને આસપાસના લોકોના ટોળાં ઘટના સ્થળે ઉમટી પડ્યા હતા.


પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો

આ ઘટનાની જાણ થતા જ જામનગર સિટી 'એ' ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઈ સહિતનો ઉચ્ચ પોલીસ કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયો હતો. પોલીસે રિક્ષાની આસપાસ કોર્ડન કરી તપાસ શરૂ કરી હતી. પ્રાથમિક તપાસમાં મહિલાની ઓળખ થઈ શકી નથી, જેથી પોલીસે આસપાસના વિસ્તારના લોકોની પૂછપરછ હાથ ધરી છે.

તપાસનો ધમધમાટ: રહસ્ય અકબંધ

પોલીસે મહિલાના મૃતદેહનો કબ્જો મેળવી તેને પોસ્ટ મોર્ટમ માટે જામનગરની જી. જી. હોસ્પિટલ ખાતે ખસેડ્યો છે. આ મહિલા કોણ છે? રિક્ષામાં તેનો મૃતદેહ ક્યાંથી આવ્યો? અને આ કુદરતી મોત છે કે હત્યા? તે દિશામાં પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. એફએસએલની મદદ લેવાની પણ તજવીજ હાથ ધરાઈ છે, જેથી આ રહસ્યમય મોત પાછળનું સાચું કારણ જાણી શકાય. હાલમાં પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધીને મહિલાની ઓળખ વિધિ માટે વિવિધ પોલીસ સ્ટેશનોમાં જાણ કરી છે.


આ પણ વાંચો - Jamnagar: રૂ.2 કરોડની કિંમતની વ્હેલ માછલીની ઉલ્ટી સાથે સિક્કાનો શખ્સ ઝડપાયો


  • Follow us on: