ખેડા જિલ્લાના ગળતેશ્વર તાલુકાના સેવાલિયા ગામમાં આજે વહેલી સવારે સ્વામિનારાયણ મંદિર પાસે એક મહિલાનો મૃતદેહ મળી આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. 33 વર્ષીય મહિલાની હત્યા કરીને મૃતદેહને રોડ પર ફેંકી દેવામાં આવી હોવાની પ્રબળ આશંકા સેવાઈ રહી છે.

પરિવારમાં શોકનો માહોલ

મૃતક મહિલાની ઓળખ પૂજાબેન પટેલ (ઉંમર વર્ષ 33) તરીકે થઈ છે. ઘટનાની મળતી માહિતી અનુસાર, પૂજાબેનના પતિ વણાકબોરી થર્મલ પાવર સ્ટેશનમાં ફરજ બજાવે છે. શંકાસ્પદ હાલતમાં પૂજાબેનનો મૃતદેહ જાહેર રસ્તા પર મંદિરની બહાર મળી આવતા પરિવારે હત્યાનો આક્ષેપ કર્યો છે. ઘટનાની જાણ થતા જ આસપાસના લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા.

પોલીસે એક શખ્સને નજરકેદ કર્યો

સેવાલિયા પોલીસ દ્વારા ઘટના સ્થળે પહોંચી મૃતદેહનો કબ્જો મેળવ્યો હતો અને તેને પોસ્ટ મોર્ટમ (PM) માટે ખસેડવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી. પ્રાથમિક તપાસમાં પોલીસને આ મામલો હત્યાનો હોવાનું જણાઈ રહ્યું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, પોલીસે આ કેસમાં શંકાના આધારે એક વ્યક્તિને નજરકેદ કરી પૂછપરછ શરૂ કરી દીધી છે.


https://x.com/sandeshnews/status/2021915210832044075


શું છે હત્યા પાછળનું કારણ?

પૂજાબેનની હત્યા કયા કારણોસર કરવામાં આવી અને શું આમાં કોઈ અંગત અદાવત કે અન્ય કોઈ ભેદ છુપાયેલો છે, તે દિશામાં પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. પોલીસ દ્વારા આસપાસના CCTV ફૂટેજ અને મોબાઈલ લોકેશનના આધારે પુરાવા એકત્ર કરવામાં આવી રહ્યા છે. પોસ્ટ મોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ મોતનું સાચું કારણ સ્પષ્ટ થશે.


આ પણ વાંચો - Kheda News: નડિયાદ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો, સગીરા પર દુષ્કર્મના આરોપીને 20 વર્ષની સખત કેદ