પૂર્વ કચ્છ પોલીસ દ્વારા હાલમાં ચાલી રહેલી ખાસ ટ્રાફિક ઝુંબેશ અંતર્ગત વાગડ વિસ્તારના રાપર શહેરમાં પોલીસ કાફલાએ મેગા ચેકિંગ હાથ ધર્યું હતું. બોર્ડર રેન્જ આઈજી ચિરાગ કોરડિયા અને પૂર્વ કચ્છ પોલીસ વડા સાગર બાગમારના માર્ગદર્શન હેઠળ રાપર પોલીસે શહેરના મુખ્ય માર્ગો પર ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરનારા વાહન ચાલકો સામે કડક કાર્યવાહી કરી છે.
મુખ્ય ચોક અને સર્કલ પર પોલીસનું સઘન ચેકિંગ
રાપર પીઆઈ જે. બી. બુબડીયા અને તેમની ટીમ દ્વારા શહેરના દેના બેન્ક ચોક, સલારી નાકા, ભુતિયા કોઠા રોડ, માંડવી ચોક, ગુરુકુળ પ્રાગપર ચોકડી અને ત્રંબૌ રોડ સહિતના સંવેદનશીલ વિસ્તારોમાં ટ્રાફિક ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. આ કામગીરીમાં પીએસઆઈ પી. એલ. ફણેજા, એચ. વી. કાતરીયા તેમજ ટ્રાફિક પોલીસ અને ટીઆરબીના જવાનો જોડાયા હતા.
નિયમભંગ કરનારાઓ પાસેથી વસૂલાયો દંડ
પોલીસે ખાસ કરીને વાહનો પર લાગેલી બ્લેક ફિલ્મ, હેલોજન સફેદ લાઈટ, કાગળો વગરના વાહનો અને રસ્તા પર અડચણરૂપ પાર્કિંગ કરનારા વાહન ચાલકોને નિશાન બનાવ્યા હતા. આ ઝુંબેશ દરમિયાન થયેલી કામગીરીના આંકડા વાત કરવામાં આવે તો 14 ડિટેન વાહનો કરાયા છે, જ્યારે 78 NC કેસ કરાયા છે, સ્થળ પર રૂપિયા 22,500 નો દંડ વસૂલવામાં આવ્યો છે. જ્યારે રૂપિયા 35,000નો RTO દંડ ફટકારવામાં આવ્યો છે. MV Act 185 04 હેઠળ કેસ કરાયા છે. BNS 285 હેઠળ 02 વાહનો સામે કાર્યવાહી કરવામાં આવી છે.
225 થી વધુ વાહનોનું ચેકિંગ
પોલીસ દ્વારા માત્ર ટ્રાફિક નિયમો જ નહીં, પરંતુ સુરક્ષાના ભાગરૂપે 225 જેટલા વાહનોનું ઝીણવટભર્યું ચેકિંગ કરવામાં આવ્યું હતું અને શંકાસ્પદ શખ્સોની પૂછપરછ કરવામાં આવી હતી. રાપર શહેરમાં અચાનક પોલીસની આક્રમક ટ્રાફિક ડ્રાઈવ શરૂ થતા નિયમભંગ કરનારા વાહન ચાલકોમાં ફફડાટ વ્યાપી ગયો હતો. આગામી દિવસોમાં પણ આ ઝુંબેશ ચાલુ રહેવાના સંકેતો પોલીસે આપ્યા છે.
આ પણ વાંચો - Kutch News: કિડાણાના તળાવમાં યુવક ડૂબ્યો, કલાકોની જહેમત બાદ ફાયર ટીમે મૃતદેહ બહાર કાઢ્યો