સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકાના અંકેવાળીયા ગામે ચૂંટણીના મનદુઃખમાં હિંસક હુમલો થયો હોવાની ઘટના સામે આવી છે. ગામના સરપંચ જીતુભાઈ રાઠોડ પર ત્રણથી વધુ શખ્સોએ હુમલો કરતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. હુમલાખોરો હુમલો કરી સ્થળ પરથી ફરાર થઈ ગયા છે, જ્યારે સરપંચને ગંભીર હાલતમાં હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.


ચૂંટણીનું મનદુઃખ રાખ્યું હોવાનું પ્રાથમિક તારણ

ઘટનાની મળતી માહિતી અનુસાર, લીંબડી તાલુકાના અંકેવાળીયા ગામના સરપંચ જીતુભાઈ રાઠોડ પર આ હુમલો ગ્રામ પંચાયતની ચૂંટણી બાબતની જૂની અદાવત રાખીને કરવામાં આવ્યો છે. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે, ત્રણથી વધુ શખ્સોએ એકાએક સરપંચ પર બોથડ પદાર્થો અને પથ્થરો વડે હુમલો કર્યો હતો.

ગંભીર હાલતમાં હોસ્પિટલમાં સારવાર હેઠળ

આ હુમલામાં સરપંચ જીતુભાઈ રાઠોડને માથાના તેમજ શરીરના અન્ય ભાગે ગંભીર ઈજાઓ પહોંચી છે. જે બાદ તેમને લીંબડીની સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડ્યા હતા. જ્યાંથી તેમને તાત્કાલિક અસરથી વધુ સારવાર માટે સુરેન્દ્રનગરની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે, જ્યાં તેમની હાલત ગંભીર હોવાનું જણાવાઈ રહ્યું છે.




પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો

આ ઘટનાની જાણ થતા જ લીંબડી પોલીસ કાફલો ઘટના સ્થળે અને હોસ્પિટલ ખાતે પહોંચ્યો હતો. પોલીસે અજાણ્યા હુમલાખોરો વિરૂદ્ધ ગુનો નોંધી તેમની ધરપકડ માટે ચક્રો ગતિમાન કર્યા છે. ગામમાં વધુ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. રાજકીય અદાવતમાં થયેલા આ હુમલાએ સુરેન્દ્રનગર જિલ્લાના રાજકારણમાં ગરમાવો લાવી દીધો છે.


આ પણ વાંચો - Surendranagar: ધ્રાંગધ્રાના રેલવે નાળામાં બોડેલી તરફ જતી એસટી બસ ફસાઈ


  • Follow us on: