અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકામાં એક શરમજનક ઘટના સામે આવી છે. જેમાં તાલુકા પંચાયતમાં ટેકનિકલ આસિસ્ટન્ટ તરીકે ફરજ બજાવતા શખ્સે લગ્નની લાલચ આપી યુવતીનું શારીરિક શોષણ કર્યું હોવાની ફરિયાદ મેઘરજ પોલીસ મથકે નોંધાઈ છે. આરોપીએ યુવતીને 27 દિવસ સુધી અલગ-અલગ રાજ્યોમાં ફેરવીને હવસનો શિકાર બનાવી હોવાના આક્ષેપથી ચકચાર મચી ગઈ છે.


પર્યટન સ્થળોએ લઈ જઈ આચર્યું દુષ્કર્મ

મેઘરજ પોલીસ મથકે નોંધાયેલી વિગત મુજબ, રાયગઢના આરોપી યુવકે યુવતીને લગ્નનો વિશ્વાસ અપાવી પ્રેમજાળમાં ફસાવી હતી. ત્યારબાદ આરોપી યુવતીને છેતરીને રાજસ્થાન, જમ્મુ કાશ્મીર અને ઉત્તરાખંડ સહિતના પ્રવાસન સ્થળોએ લઈ ગયો હતો. અંદાજે 27 દિવસના આ પ્રવાસ દરમિયાન આરોપીએ યુવતીની મરજી વિરૂદ્ધ અવારનવાર શારીરિક સંબંધો બાંધ્યા હતા.

લગ્નની વાત કરતા જાનથી મારી નાખવાની ધમકી

પીડિતાએ જ્યારે લગ્ન માટે દબાણ કર્યું ત્યારે આરોપી પોતાના અસલી સ્વરૂપમાં આવ્યો હતો. આરોપીએ લગ્ન કરવાનો સાફ ઇનકાર કરી દીધો હતો અને જો તે આ વિશે કોઈને કહેશે તો યુવતી અને તેના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આરોપી ભિલોડા તાલુકા પંચાયતમાં ટેકનિકલ આસિસ્ટન્ટ તરીકે નોકરી કરતો હોવાનું ખુલ્યું છે.

મેઘરજ પોલીસની તપાસ તેજ

આખરે હિંમત ભેગી કરી યુવતીએ સમગ્ર મામલે મેઘરજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે આરોપી વિરૂદ્ધ દુષ્કર્મ અને ધમકી આપવા બદલ ગુનો દાખલ કરી તેને ઝડપી પાડવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે. સરકારી કર્મચારીના આ કૃત્યને પગલે પંથકમાં ભારે ફિટકારની લાગણી જોવા મળી રહી છે.


આ પણ વાંચો - Aravalli : બાયડના આંબે ગામે વરઘોડામાં તોડફોડ, પથ્થરમારો, ડીજે મુદ્દે વિવાદ બાદ ટોળાનો હુમલો, 2ને ઇજા


  • Follow us on: