મોરબીના લાયન્સનગર વિસ્તારમાંથી એક ચકચારી ઘટના સામે આવી છે. સોશિયલ મીડિયાના માધ્યમથી પ્રેમમાં પડેલા એક યુવકે તેની પ્રેમિકા ઘરે ગયા બાદ પરત ન ફરતા આત્યંતિક પગલું ભરી લીધું છે. 29 વર્ષીય યુવકે પોતાના નિવાસસ્થાને ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.


સોશિયલ મીડિયાથી શરૂ થઈ હતી પ્રેમ કહાની

ઘટનાની મળતી માહિતી અનુસાર, મોરબીના લાયન્સનગર વિસ્તારમાં રહેતા હિતેશ ધમ્મર નામના યુવકને સોશિયલ મીડિયાના માધ્યમથી એક યુવતી સાથે પરિચય થયો હતો. આ પરિચય ધીરે ધીરે પ્રેમમાં પરિણમ્યો હતો. પ્રેમ એટલો ગાઢ બન્યો હતો કે, છેલ્લા ત્રણ મહિનાથી આ પ્રેમી યુગલ લિવ-ઈન રિલેશનશિપમાં સાથે રહેતું હતું.

પ્રેમિકા પરત ન આવતા ભર્યું આત્યંતિક પગલું

થોડા દિવસો પહેલા હિતેશની પ્રેમિકા પોતાના ઘરે ગઈ હતી. જોકે, ત્યારબાદ તે કોઈ કારણોસર પરત ફરી ન હતી. હિતેશે તેને પરત લાવવા કે મળવા માટે પ્રયત્નો કર્યા હોવાનું મનાય છે, પરંતુ પ્રેમિકા પરત ન આવતા હિતેશ માનસિક રીતે ભાંગી પડ્યો હતો. વિરહની આ પીડા સહન ન થતા અંતે હિતેશે લાયન્સનગર સ્થિત પોતાના ઘરે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી.

પોલીસ તપાસ શરૂ

આ ઘટનાની જાણ થતા જ મોરબી સિટી બી ડિવિઝન પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. પોલીસે મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પ્રાથમિક તપાસમાં પ્રેમ પ્રકરણ અને પ્રેમિકાના વિરહમાં આ પગલું ભર્યું હોવાનું સામે આવ્યું છે, પરંતુ પોલીસ અન્ય પાસાઓ પર પણ તપાસ કરી રહી છે.


આ પણ વાંચો - Morbi News : ઝઘડાની અદાવતમાં બાળકનો ભોગ લેવાયો, ટંકારામાં નરાધમ પાડોશીએ માનવતાની હદ વટાવી


  • Follow us on: