મોરબી શહેરમાં મોડી રાત્રે સામાન્ય બાબતે થયેલી તકરારે લોહિયાળ સ્વરૂપ ધારણ કર્યું છે. રાજકોટથી મોરબી પોતાના પરિવાર સાથે પરત ફરી રહેલા સોની યુવાન જતીન સોનીની કાર ઓવરટેક કરવા જેવી નજીવી બાબતમાં છરીના ઘા ઝીંકી હત્યા કરી દેવામાં આવી છે. આ મામલે મૃતકના ભાઈએ મોરબી સીટી-એ ડિવિઝન પોલીસ મથકમાં નામજોગ ફરિયાદ નોંધાવી છે.
પરિવારની નજર સામે જ ખેલાયો ખૂની ખેલ
ઘટનાની મળતી માહિતી અનુસાર, મૃતક જતીન સોની પોતાના પરિવાર સાથે કારમાં રાજકોટથી મોરબી આવી રહ્યા હતા. આ દરમિયાન રસ્તામાં વાહન ઓવરટેક કરવા બાબતે અજાણ્યા શખ્સો સાથે બોલાચાલી થઈ હતી. ઝઘડો એટલો ઉગ્ર બન્યો કે, આરોપીઓએ આવેશમાં આવી જતીનભાઈ પર છરી વડે હુમલો કરી દીધો હતો. ગંભીર રીતે ઘવાયેલા યુવાનનું કરૂણ મોત નીપજ્યું હતું.













