ખેડા જિલ્લાના મુખ્ય મથક નડિયાદમાં પોલીસ દ્વારા એક મોટા ગૌવંશ કતલખાનાનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. નડિયાદ શહેરના પાંચ હાટડી વિસ્તારમાં આવેલા મીનારા મસ્જિદ નજીક એક રહેણાંક મકાનમાં ચાલતા કતલખાના પર પોલીસ દ્વારા ઓચિંતી રેડ કરવામાં આવી હતી. આ રેડ દરમિયાન પોલીસ દ્વારા 360 કિલો ગૌમાંસ અને કતલ કરવાના સાધનો સહિત કુલ રૂપિયા 38,505નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.
ગુપ્ત રાહે ચાલતું હતું કતલખાનું
નડિયાદ ટાઉન પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે, પાંચ હાટડી વિસ્તારમાં રહેણાંક મકાનની આડમાં ગૌવંશની કતલ કરવામાં આવી રહી છે. આ માહિતીના આધારે પોલીસે રેડ કરતા સ્થળ પરથી મોટા પ્રમાણમાં માંસનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે ઘટના સ્થળેથી 3 મહિલા અને 2 પુરૂષ કસાઈઓની અટકાયત કરી છે.













