દક્ષિણ ગુજરાતના નવસારીમાં મહિલાઓ અને બાળકીઓની સુરક્ષા સામે સવાલો ઉભા કરતી વધુ એક દુષ્કર્મની ઘટના સામે આવી છે. નવસારીના વિજલપોર વિસ્તારમાં એક શખ્સે 16 વર્ષીય સગીરાને પોતાની હવસનો શિકાર બનાવી હોવાની હચમચાવી નાખતી વિગતો પ્રકાશમાં આવી છે. આરોપી યુવક કિશોરીને લલચાવી-ફોસલાવીને વિસ્તારની એક અવાવરું જગ્યાએ લઈ ગયો હતો. ત્યાં નિર્જન સ્થળનો લાભ ઉઠાવી આરોપીએ કિશોરીની મરજી વિરુદ્ધ તેના પર દુષ્કર્મ આચર્યું હતું.
વિજલપોર યુવકે આચર્યું કિશોરી સાથે દુષ્કર્મ
આ ઘટના બાદ કિશોરી ગભરાઈ ગઈ હતી, પરંતુ હિંમત એકઠી કરીને તેણે પરિવારને આપવીતી જણાવી હતી. બનાવની ગંભીરતાને જોતા પરિવારજનોએ તુરંત વિજલપોર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આ મામલે ત્વરિત એક્શન લેતા: આરોપી વિરુદ્ધ પોક્સો (POCSO) એક્ટ અને દુષ્કર્મની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધ્યો છે. ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોની મદદથી પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપી યુવકની ધરપકડ કરી લીધી છે.













