બનાસકાંઠા જિલ્લામાં અસામાજિક તત્ત્વો બેફામ બની રહ્યા હોય તેમ જણાઈ રહ્યું છે. આવામાં અસામાજિક તત્ત્વો દ્વારા આજે વધુ એક હુમલાની ઘટનાને અંજામ આપવામાં આવતા સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે. હાલ જિલ્લામાં પોલીસનો કોઈ ડર રહ્યો ન હોય તેમ અસામાજિક તત્ત્વો હુમલા, ચોરી અને હત્યાની ઘટનાઓને અંજામ આપતા જોવા મળી રહ્યા છે. જે કારણે લોકોમાં ખૌફ સાથે ભય જોવા મળી રહ્યો છે.
જૂના ઝઘડાની અદાવતમાં માર મારી ચપ્પુથી યુવક પર હુમલો
ઘટનાની મળતી માહિતી અનુસાર, બનાસકાંઠાના પાલનપુર શહેરમાં અસામાજિક તત્વો દ્વારા એક યુવક પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે. જૂના ઝઘડાની અદાવતમાં માર મારી ચપ્પુથી યુવક પર હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં ઘાયલ થયેલા ઇજાગ્રસ્ત યુવકને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. જ્યાં તેની સારવાર ચાલી રહી છે. હાલ યુવકની હાલત સ્થિર છે. આ મામલે પોલીસે બે યુવકોની અટકાયત કરી છે. હાલ પાલનપુર પોલીસ દ્વારા આ મામલે તપાસ હાથ ધરવામાં આવી છે.\













