સૌરાષ્ટ્રના આર્થિક પાટનગર સમાન ગણાતા રાજકોટ શહેરમાં GST વિભાગ દ્વારા મોબાઈલના મોટા ગજાના વેપારીઓને ત્યાં મેગા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. સતત બીજા દિવસે પણ એસ્ટ્રોન ચોક અને અન્ય વિસ્તારોમાં આવેલી મોબાઈલની નામાંકિત પેઢીઓમાં GST વિભાગ દ્વારા રેડ ચાલુ રહેતા વેપારી આલમમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.


નામાંકિત પેઢીઓ તપાસના ઘેરામાં

GST વિભાગની અલગ-અલગ ટીમો દ્વારા રાજકોટની જાણીતી પેઢીઓ જેવી કે રામદેવ મોબાઈલ, ઉમિયા મોબાઈલ અને મેહુલ ટેલિકોમ સહિતના સ્થળોએ આકસ્મિક તપાસ હાથ ધરવામાં આવી છે. 18 જાન્યુઆરીથી શરૂ થયેલી આ કાર્યવાહી આજે બીજા દિવસે પણ વણથંભી ચાલુ રહી છે. અધિકારીઓ દ્વારા પેઢીના વેચાણ દસ્તાવેજો, સ્ટોક રજિસ્ટર અને બેંક વ્યવહારોની ઊંડાણપૂર્વક ચકાસણી કરવામાં આવી રહી છે.

બીલ વગરના વેચાણ પર તવાઈ

મળતી માહિતી મુજબ, આ વેપારીઓ દ્વારા ગ્રાહકોને બીલ વગર અથવા કાચા બીલ પર મોબાઈલ વેચીને મોટા પાયે ટેક્સ ચોરી કરવામાં આવતી હોવાની બાતમી વિભાગને મળી હતી. આ તપાસ દરમિયાન ખોટી રીતે ક્લેમ કરવામાં આવેલી ક્રેડિટની તપાસ (ઇનપુટ ટેક્સ ક્રેડિટ ), દુકાનમાં હાજર સ્ટોક અને ચોપડે નોંધાયેલા સ્ટોક વચ્ચેનો તફાવતની તપાસ કરવામાં આવશે. GST વિભાગ દ્વારા મોબાઈલ વેચાણના બીલ, કોમ્પ્યુટર હાર્ડ ડિસ્ક અને અન્ય વાંધાજનક સાહિત્ય હસ્તગત કરવામાં આવ્યું છે.




માર્ચ એન્ડિંગ પહેલા મોટી કાર્યવાહી

નાણાકીય વર્ષ પૂરૂં થવાને આડે હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે 'માર્ચ એન્ડિંગ' પહેલા ટેક્સ ચોરી ડામવા માટે GST વિભાગ એક્શન મોડમાં આવ્યું છે. આ રેજ દરમિયાન કરોડો રૂપિયાના બિનહિસાબી વ્યવહારો અને મોટી રકમની GST વસૂલાત થવાની પૂરેપૂરી સંભાવના છે. રાજકોટના એસ્ટ્રોન ચોક જેવા બિઝનેસ હબમાં થયેલી આ કાર્યવાહીને પગલે અન્ય વેપારીઓએ પણ સાવચેતીના ભાગરૂપે પોતાની દુકાનોના શટર પાડી દીધા હોવાનું જાણવા મળ્યું છે.


આ પણ વાંચો - Rajkot News : રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં 1350થી વધુ દબાણકારોને નોટિસ અપાઇ, હાઇકોર્ટમાં દબાણકારો દ્વારા કરવામાં આવી હતી પિટિશન


  • Follow us on: