રંગીલા રાજકોટના રસ્તાઓ ફરી એકવાર રક્તથી ખરડાયા છે. રાજકોટ શહેરના મવડી કણકોટ રોડ પર આવેલા ગણેશ ચોક પાસે આજે એક ભયાનક અકસ્માત સર્જાયો હતો. કાર અને બાઈક વચ્ચે થયેલી આ ધડાકાભેર ટક્કરમાં બાઈકચાલક યુવાનનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું છે. આ ઘટનાને પગલે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો અને પોલીસ સાથે ઉગ્ર બોલાચાલીના દ્રશ્યો સર્જાયા હતા.


પૂરપાટ ઝડપે આવી રહેલી એક કારે બાઈકને મારી ટક્કર

ઘટનાની મળતી માહિતી અનુસાર, રાજકોટ શહેરના મવડી કણકોટ રોડ પર ગણેશ ચોક પાસે પૂરપાટ ઝડપે આવી રહેલી એક કારે બાઈકને જોરદાર ટક્કર મારી હતી. અકસ્માત એટલો ગંભીર હતો કે, બાઈકચાલક સંજયભાઈ કાલરીયાને શરીરે ગંભીર ઈજાઓ પહોંચતા તેમનું પ્રાણપંખેરું ઉડી ગયું હતું. અકસ્માતને પગલે આસપાસના લોકોના ટોળેટોળા એકઠા થઈ ગયા હતા અને ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. ઉલ્લેખનીય છે કે, કારમાં ફ્રન્ટગ્લાસ પર રાજકોટ APMC ચેરમેન લખેલું બોર્ડ મુકેલું હતું. હવે સવાલ એ છે કે, આ કારચાલક APMC ચેરમેન છે કે, તેમનો કોઈ સંબધી છે, તે વિશે સ્થાનિકોમાં ચર્ચા થઈ રહી છે.

પોલીસ અને સ્થાનિકો વચ્ચે તણાવ

ઘટનાની જાણ થતા જ પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. જોકે, અકસ્માતની ગંભીરતા અને વારંવાર થતા અકસ્માતોને લઈ સ્થાનિક રહીશોમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો. તપાસ દરમિયાન પોલીસ અને સ્થાનિક લોકો વચ્ચે ઉગ્ર બોલાચાલી અને ઘર્ષણ પણ થયું હતું. લોકોનો આક્ષેપ છે કે, આ વિસ્તારમાં વાહનોની ગતિ પર કોઈ નિયંત્રણ નથી, જેના કારણે નિર્દોષ લોકો જીવ ગુમાવી રહ્યા છે.

કાર ચાલક વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી

પોલીસે હાલ સંજય કાલરીયાના મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડ્યો છે અને અકસ્માત સર્જનાર કાર ચાલક વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. એક હસતા-રમતા યુવાનના અકાળે અવસાનથી કાલરીયા પરિવારમાં માતમ છવાઈ ગયો છે.


આ પણ વાંચો - Dhorajiના જેતપુર રોડ પર ડમ્પર ચાલકનો આતંક; 2 બાઈક, ઇકો કાર અને ફ્રૂટની લારીને લીધા અડફેટે


  • Follow us on: