રાજકોટ જિલ્લાના ધોરાજી શહેરમાં આજે ફરી એકવાર બેફામ વાહન ચાલકોના કારણે નિર્દોષ નાગરિકોનો જીવ જોખમમાં મુકાયો છે. ધોરાજીના મુખ્ય ગણાતા જેતપુર રોડ અને અવેડા ચોક પાસે એક ડમ્પર ચાલકે ગફલતભરી રીતે વાહન હંકારીને માર્ગ પરથી પસાર થતા વાહનો અને ફ્રૂટની લારીને અડફેટે લેતા અફરાતફરી મચી ગઈ હતી. આ અકસ્માતને પગલે સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.


3 વાહન અને લારીને લીધા અડફેટે

ડમ્પર ચાલકે અવેડા ચોક પાસે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતા માર્ગ પર ઉભેલી બે મોટરસાયકલ અને એક ઇકો કારને જોરદાર ટક્કર મારી હતી. આટલું જ નહીં, રસ્તાની સાઈડમાં ઉભેલી ફ્રૂટની લારીને પણ ડમ્પરે અડફેટે લીધી હતી. આ ગંભીર અકસ્માતમાં ફ્રૂટની લારી ચલાવતા નિર્દોષ વ્યક્તિને શરીરે ગંભીર ઈજાઓ પહોંચી હતી. અકસ્માત થતા જ આસપાસના લોકો દોડી આવ્યા હતા અને ઈજાગ્રસ્તને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે ધોરાજી સરકારી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો.

ઈજાગ્રસ્તને સારવાર અર્થે ખસેડાયો

ભરચક વિસ્તારમાં ડમ્પર ચાલકની આ પ્રકારની બેદરકારીને કારણે મોટી જાનહાનિ ટળી હતી, પરંતુ વાહનોને ભારે નુકસાન પહોંચ્યું છે. ઘટનાની જાણ થતા જ ધોરાજી પોલીસ કાફલો સ્થળ પર પહોંચી ગયો હતો અને ટ્રાફિક ક્લિયર કરાવી ડમ્પર ચાલક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. વારંવાર બનતા આવા અકસ્માતોને કારણે સ્થાનિકો દ્વારા ભારે વાહનોની અવરજવર પર નિયંત્રણની માંગ કરવામાં આવી રહી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: