રાજકોટમાં ટ્રાફિકનું નિયમન કરવા માટે ટીઆરબી જવાનોને રાખવામાં આવ્યા છે. જોકે આ ટ્રાફિક વોર્ડનોને ટ્રાફિક નિયમન કરવા કરતા સાઈડ ઈન્કમ કરવામાં વધારે રસ હોય તેમ જણાઈ રહ્યું છે. આવો એક વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેના કારણે રોજકોટ પોલીસ શંકાના દાયરામાં આવી છે. રાજકોટ શહેરમાં આવેલી આજીડેમ ચોકડી પાસે ટ્રાફિક વોર્ડનનો એક એવો વીડિયો સામે આવ્યો છે, જે જોઈને તમે પણ કહેશો કે આ ખાખીની સેવા છે કે ખિસ્સાની ખેતી?
ઘટનાની વિગત
ઘટનાની મળતી માહિતી અનુસાર, રાજકોટ શહેરમાં આજીડેમ ચોકડી પર ટ્રાફિક ક્લિયર કરવાની જગ્યાએ ટ્રાફિક વોર્ડનને વસૂલી કરવામાં વધુ રસ હોય તેવો વીડિયો વાયરલ થયો છે. વાહનચાલકોને ખોટી રીતે હેરાન કરવા અને પછી સાઈડમાં લઈ જઈને ઉઘરાણા કરવા - આ હવે અહીંનો રોજનો નિત્યક્રમ બની ગયો હોય તેમ જણાઈ રહ્યું છે.













