રાજકોટ શહેરમાં બેંકોને નિશાન બનાવતી એક શાતીર ગેંગનો રાજકોટ એ-ડિવિઝન પોલીસ દ્વારા પર્દાફાશ કરવામાં આવ્યો છે. મધ્યપ્રદેશના ભોપાલથી આવીને રાજકોટની વિવિધ બેંકોમાં નજર ચૂકવીને કેશિયર પાસેથી નાણાં સેરવી લેતા બે શખ્સો ઝડપાયા છે. મહેશ ગુર્જર અને સૌરભ કુશવાહાની પોલીસ દ્વારા ધરપકડ કરી લેવામાં આવી છે.
ચોરી કરવાની અનોખી મોડસ ઓપરેન્ડી
આ બંને આરોપીઓ બેંકમાં ગ્રાહક બનીને પ્રવેશતા હતા. ત્યારબાદ કેશિયર પાસે જઈને મોટી ચલણી નોટોના બદલામાં નાની નોટો અથવા નવી નોટો બદલાવવાનું બહાનું કાઢતા હતા. જ્યારે કેશિયર નોટો ગણવામાં વ્યસ્ત હોય અથવા બેન્ડલ કાઢતા હોય, ત્યારે આ શખ્સો તેમની નજર ચૂકવીને નોટોના થપ્પામાંથી 20 થી 40 જેટલી નોટો અત્યંત સફાઈપૂર્વક કાઢી લેતા હતા. સામેવાળી વ્યક્તિને ખ્યાલ આવે તે પહેલા જ તેઓ ત્યાંથી રફુચક્કર થઈ જતા હતા.













