રાજકોટ શહેર પોલીસે બેંકમાં આવતા ગ્રાહકો અને કેશિયરની નજર ચૂકવીને ચલણી નોટોની ચોરી કરતી એક શાતીર ટોળકીને ઝડપી પાડી છે. પકડાયેલા બંને આરોપીઓ મૂળ મધ્યપ્રદેશના ભોપાલના રહેવાસી છે અને તેઓ પોતાની ખાસ 'આંગળીની કરામત' માટે જાણીતા છે. આરોપીઓ બેંકમાં જઈને નવી ચલણી નોટો લેવાના બહાને કેશિયર કે ગ્રાહકો પાસે જતા હતા.


નવી નોટ લેવાના બહાને રોકડની કરતા ચોરી

જ્યારે તેમને નોટોનું બંડલ બતાવવામાં આવતું, ત્યારે તેઓ નોટો ચેક કરવાના બહાને બંડલ હાથમાં લેતા અને અત્યંત સ્ફૂર્તિથી આંગળીની કરામત વડે બંડલની વચ્ચેથી નોટો સેરવીને પોતાની હથેળીમાં સંતાડી દેતા હતા. સામેવાળી વ્યક્તિને ખ્યાલ આવે તે પહેલા જ તેઓ ત્યાંથી રફુચક્કર થઈ જતા હતા. રાજકોટ પોલીસને મળેલી ચોક્કસ બાતમી અને સીસીટીવી ફૂટેજના આધારે વોચ ગોઠવીને બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે: 1. મહેશ ગુર્જર (રહે. ભોપાલ, MP), 2. સૌરભ કુશવાહા (રહે. ભોપાલ, MP). પોલીસે આરોપીઓ પાસેથી ચોરી કરેલા રૂ.90,000 રોકડા કબજે કર્યા છે.

રાજકોટ પોલીસે ભોપાલના આરોપીઓને ઝડપ્યા

પ્રાથમિક પૂછપરછમાં બહાર આવ્યું છે કે, આ ટોળકીએ અગાઉ શહેરની અન્ય ત્રણ બેંકોમાં પણ આ જ રીતે હાથફેરો કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ત્યાં તેઓ નિષ્ફળ રહ્યા હતા. હાલમાં રાજકોટ પોલીસે આ બંને આરોપીઓની ધરપકડ કરી તેમના રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે. પોલીસને આશંકા છે કે આ ટોળકીએ ગુજરાતના અન્ય શહેરોમાં પણ આ પ્રકારે ચોરીની ઘટનાઓને અંજામ આપ્યો હોઈ શકે છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: