રાજકોટમાં શિક્ષણ જગતને શરમાવે તેવી ઘટના સામે આવી છે. શહેરની ઉત્કર્ષ સ્કૂલ પરીક્ષા સંચાલનમાં ક્ષતિઓને કારણે ફરી વિવાદના કેન્દ્રમાં આવી છે. ધોરણ-10ની બોર્ડની પરીક્ષા આપી રહેલા એક વિદ્યાર્થીએ શાળાના નિરીક્ષકો (સુપરવાઈઝર) પર ગંભીર આક્ષેપો લગાવ્યા છે, જેને પગલે વાલીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. પીડિત વિદ્યાર્થીના જણાવ્યા અનુસાર, પરીક્ષા ખંડમાં હાજર નિરીક્ષકોની બેદરકારીને કારણે તેનું પેપર અધૂરું રહી ગયું છે.
ધોરણ 10ના વિદ્યાર્થીએ લગાવ્યો આક્ષેપ
વિદ્યાર્થીનો આક્ષેપ છે કે: નિરીક્ષકો દ્વારા પૂરતી સૂચના કે સમય અંગેની સ્પષ્ટતા ન મળતા પેપર પૂર્ણ કરી શકાયું નથી. નિયમ મુજબ નિરીક્ષકે વિદ્યાર્થીની હોલ ટિકિટમાં સહી કરવાની હોય છે, પરંતુ આ કિસ્સામાં હોલ ટિકિટ પર સહી પણ કરવામાં આવી નથી, જે વહીવટી સ્તરે મોટી ચૂક ગણાય છે. વિદ્યાર્થીએ વ્યથા ઠાલવતા પ્રશ્ન ઉઠાવ્યો છે કે, "જો આ બેદરકારીને કારણે હું નપાસ થઈશ, તો તેની જવાબદારી કોની રહેશે?".













