રાજકોટ શહેરમાં બેફામ દોડતા ભારે વાહનો અને ડમ્પરોનો ત્રાસ યથાવત રહ્યો છે. આજે શહેરના રાજકોટના મવડી ચોકડી પાસે આવેલા બાપાસીતારામ ચોક વિસ્તારમાં એક ભયાનક અકસ્માત સર્જાયો હતો. એક પુરપાટ ઝડપે આવી રહેલા ડમ્પરે એક્ટિવા પર જઈ રહેલા માતા અને પુત્રને જોરદાર ટક્કર મારી અડફેટે લીધા હતા. આ અકસ્માતને પગલે આસપાસના લોકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા.


ટૂ-વ્હીલર પર જતા માતા-પુત્રને લીધા અડફેટે

અકસ્માત એટલો ભયાનક હતો કે માતા અને પુત્ર બંનેને શરીરે ગંભીર ઈજાઓ પહોંચી હતી. ઘટના બાદ સ્થાનિકોએ તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને જાણ કરી હતી અને ઇજાગ્રસ્ત માતા-પુત્રને સારવાર અર્થે નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. હાલમાં તેમની હાલત અંગે તબીબી તપાસ ચાલી રહી છે. આ સમગ્ર અકસ્માતની ઘટના નજીકમાં લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ છે, જેમાં ડમ્પર ચાલકની બેદરકારી સ્પષ્ટપણે જોવા મળી રહી છે.

પ્રતિબંધ છતાં શહેરમાં બેફામ ફરી રહ્યાં છે ડમ્પરો

સ્થાનિક રહેવાસીઓમાં આ ઘટનાને પગલે ભારે રોષ જોવા મળી રહ્યો છે. લોકોનો આક્ષેપ છે કે શહેરમાં ભારે વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ હોવા છતાં, ડમ્પરો કોઈ પણ જાતના ડર વગર બેફામ દોડી રહ્યા છે. તંત્રની રહેમનજર હેઠળ નિયમોનું ઉલ્લંઘન થઈ રહ્યું હોવાથી નિર્દોષ નાગરિકોના જીવ જોખમમાં મુકાઈ રહ્યા છે. ઘટનાની જાણ થતા જ તાલુકા પોલીસનો કાફલો સ્થળ પર પહોંચી ગયો હતો અને CCTV ફૂટેજના આધારે ડમ્પર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: