રાજકોટ રેલવે ડિવિઝનમાં ગુરુવારના રોજ જામનગર-લાખાબાવલ રેલ સેકશન વચ્ચે દોહરીકરણનું સુરક્ષા નિરીક્ષણ સફળતા પૂર્વક પાર પાડવામાં આવ્યુ હતું. રેગ્યુલર ટ્રેનને અપ-ડાઉન માટે ૧૨૦ પ્રતિ કિ.મી.ની રફ્તાર પર સ્પિડ ટ્રાયલ કરાયુ જે સફળ રહેતા હવે આગામી સમયમાં રાજકોટ ડિવિઝનમાં રેગ્યુલર ટ્રેન પણ વંદે ભારતની ગતિએ દોડશે.
સંગઠન અને ડિવિઝનના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા
પશ્ચિમ રેલવે દ્વારા રેલ સુરક્ષા અને સંચાલન ક્ષમતાને વધુ મજબૂત બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ સિદ્ધિ પ્રાપ્ત કરતા, રાજકોટ-કાનાલુસ ડબલિંગ પ્રોજેક્ટ હેઠળ જામનગર-લાખાબાવલ (આશરે ૧૦ કિમી) રેલખંડ વચ્ચે નવનિર્મિત અપ મેઈન લાઈન અને ડાઉન મેઈન લાઈનનું સુરક્ષા નિરીક્ષણ આજે રેલ સુરક્ષા કમિશનર ઈ. શ્રીનિવાસ દ્વારા સફળતાપૂર્વક કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મુખ્ય વહીવટી અધિકારી (બાંધકામ) પ્રદીપ ગુપ્તા, રાજકોટ ડિવિઝનલ રેલવે મેનેજર ગિરિરાજ કુમાર મીના સહિત બાંધકામ સંગઠન અને ડિવિઝનના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.













