સંસ્કારી નગરી વડોદરાના ભરચક ગણાતા માંડવી વિસ્તારમાં ખરીદી બાબતે થયેલી બોલાચાલી બાદ મારામારીની ઘટના સામે આવી છે. એક મહિલા ગ્રાહકે ખરીદેલો દુપટ્ટો બદલવા બાબતે દુકાનદાર સાથે તકરાર કરી હતી, જે બાદ મામલો મારામારી સુધી પહોંચ્યો હતો. આ અંગે વડોદરા સિટી પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ તેજ કરી છે.
બિલ માંગતા મામલો ગરમાયો
ઘટનાની મળતી માહિતી અનુસાર, એક મહિલા ગ્રાહકે થોડા દિવસો અગાઉ માંડવીની એક દુકાનમાંથી દુપટ્ટો ખરીદ્યો હતો. આ મહિલા ગ્રાહક ગતરોજ દુપટ્ટો બદલાવવા માટે ફરી દુકાને આવી હતી. દુકાનદારે નિયમ મુજબ જૂનું બિલ માંગ્યું હતું. જોકે, મહિલા પાસે બિલ ન હોવાથી દુકાનદારે બિલ વગર વસ્તુ બદલી આપવાનો ઈન્કાર કર્યો હતો. આ સાંભળતા જ મહિલા ઉશ્કેરાઈ ગઈ હતી અને દુકાનદાર સાથે ગાળાગાળી કરવા લાગી હતી.













