ભાવનગરના સિહોર શહેરમાં માનવતાને શરમાવે તેવી એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. સિહોર શહેરની રૂખડાવાળી શેરીમાં રહેતા 80 વર્ષીય વૃદ્ધા હીરાબેનની તેમના જ પાડોશમાં રહેતા શખ્સે કુહાડીના ઘા ઝીંકી નિર્મમ હત્યા કરી નાખી છે. ભક્તિ કરવાના સમયે પરિવારના મોભીની હત્યા થતા સમગ્ર પંથકમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
ઘટનાની વિગત
ઘટનાની મળતી માહિતી અનુસાર, હીરાબેન (ઉં.વ. 80) સવારે ઘરની બહાર કચરો વાળીને પરત આવ્યા હતા અને આંગણામાં વાસણ ધોઈ રહ્યા હતા. આ સમયે પાડોશમાં રહેતો ભૂપત રામજી હરિયાણી નામનો શખ્સ હાથમાં કુહાડી લઈને કાળ બનીને ઘરમાં ઘૂસ્યો હતો. કશું જ સમજાય તે પહેલા ભૂપતે વૃદ્ધાના માથાના ભાગે કુહાડીના આડેધડ ઘા મારવાનું શરૂ કર્યું હતું.
બચાવવા આવેલા યુવક પર પણ હુમલો
આ લોહિયાળ ખેલ જોઈ પાડોશમાં રહેતા કૃપાલભાઈ તાત્કાલિક માજીને બચાવવા દોડી ગયા હતા. જોકે, આવેશમાં આવેલા ભૂપતે કૃપાલભાઈ પર પણ હુમલો કર્યો હતો. હુમલો કર્યા બાદ આરોપી ભૂપત ત્યાંથી નાસી છૂટ્યો હતો. લોહીલુહાણ હાલતમાં હીરાબેનને પ્રથમ સિહોર અને ત્યારબાદ ગંભીર હાલતમાં ભાવનગર હોસ્પિટલ ખસેડાયા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમણે દમ તોડ્યો હતો.
પોલીસ કાર્યવાહી અને લોક આક્રોશ
ઘટનાની જાણ થતા જ સિહોર પોલીસની ટીમ હરકતમાં આવી હતી અને ગણતરીના કલાકોમાં જ હત્યારા ભૂપતને ઝડપી લીધો હતો. પોલીસે અગાઉ 'જાનથી મારી નાખવાની કોશિશ' અને હવે 'હત્યા' (કલમ 302) નો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. બીજી તરફ, નિર્દોષ વૃદ્ધાની હત્યાને લઈને સ્થાનિકોમાં પ્રચંડ આક્રોશ છે. પરિવારજનો અને સોસાયટીના રહીશોની માગ છે કે, આરોપીને કડકમાં કડક સજા થાય અને પોલીસ તેનો વરઘોડો કાઢે જેથી ભવિષ્યમાં કોઈ આવું કૃત્ય કરતા ડરે.
આ પણ વાંચો - Bhavnagar News: કાંટાની વાડમાં આગ ભભૂકતા નાસભાગ, 11 KV ના વાયરો બળીને જમીનદોસ્ત