સુરત શહેરના પાંડેસરા પોલીસ સ્ટેશનમાં કાયદો અને વ્યવસ્થાના રખેવાળો પર જ ગંભીર સવાલો ઉઠ્યા છે. એક યુવકને પાંડેસરા પોલીસ સ્ટેશનની અંદર જ બેરહેમીથી માર માર્યાનો અને તેની પાસેથી ગેરકાયદેસર રીતે રૂપિયા પડાવ્યા હોવાનો આક્ષેપ થતા પોલીસ વિભાગમાં હડકંપ મચી ગયો છે. ભોગ બનનાર યુવક મોડી રાત્રે ઇજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે સુરત સિવિલ હોસ્પિટલ પહોંચ્યો હતો.


પતિ-પત્નીના ઝઘડામાં પોલીસની દાદાગીરી

ઘટનાની મળતી માહિતી અનુસાર, યુવક અને તેની પત્ની વચ્ચે કોઈ બાબતે સામાન્ય ઝઘડો થયો હતો. આ મામલો પાંડેસરા પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો. આક્ષેપ છે કે, પતિ-પત્ની વચ્ચે સમાધાન થઈ ગયું હોવા છતાં પોલીસે પતિને ત્યાં રોકી રાખ્યો હતો. ત્યારબાદ પોલીસ મથકની અંદર જ બે પોલીસકર્મીઓએ યુવક પર દમન ગુજારવાનું શરૂ કર્યું હતું.

પટ્ટા વડે માર અને 600 રૂપિયાની માગ

ભોગ બનનાર યુવકનો આક્ષેપ છે કે, તેને પોલીસ સ્ટેશનમાં પટ્ટા વડે ઢોર માર મારવામાં આવ્યો હતો. આટલું જ નહીં, તેને છોડવા માટે પોલીસકર્મીઓએ તેની પાસેથી રૂપિયા 600 પણ પડાવ્યા હતા. પોલીસના મારને કારણે યુવકને શરીરે ગંભીર ઇજાઓ પહોંચી હતી. રાત્રિના સમયે દુખાવો અસહ્ય થતા તે તાત્કાલિક સુરત સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડાયો હતો.




ઉચ્ચ સ્તરે તપાસ કરવાની માગ

પોલીસ સ્ટેશનમાં જ નાગરિકોની સુરક્ષા કરવાને બદલે તેમની પર આ રીતે પટ્ટા ચલાવવાના અને નાની રકમ પડાવવાના આક્ષેપને પગલે ઉચ્ચ પોલીસ અધિકારીઓ આ મામલે તપાસ કરે તેવી માગ ઉઠી છે. શું ખરેખર પાંડેસરા પોલીસના કર્મચારીઓએ સત્તાનો દુરૂપયોગ કર્યો છે? તે તપાસ બાદ જ સ્પષ્ટ થશે. આ મામલે પાંડેસરા પોલીસ દ્વારા હજૂ સુધી કોઈ સ્પષ્ટતા સામે આવી નથી.


આ પણ વાંચો - Surat News: ભેસ્તાનમાં મારામારી કરનારાઓની પોલીસે શાન ઠેકાણે લાવી


  • Follow us on: