સુરતના ડિંડોલી વિસ્તારમાં આવેલા આત્મીય સંસ્કારધામ સ્વામિનારાયણ મંદિરના પરિસરમાંથી બે વિદ્યાર્થિનીઓના મૃતદેહ મળી આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે, બંને વિદ્યાર્થિનીઓએ ઝેર પીને સામૂહિક આત્મહત્યા કરી છે. શુક્રવારના રોજ મંદિરના બાથરૂમમાંથી આ બંનેના મૃતદેહ મળી આવતા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
ઘરેથી કોલેજનું કહીને નીકળી હતી
પોલીસ તપાસમાં થયેલા મોટા ખુલાસા મુજબ, બંને વિદ્યાર્થિનીઓ સવારે પોતાના ઘરેથી કોલેજ જવા માટે નીકળી હતી. જોકે, તેઓ કોલેજ જવાને બદલે સીધી જ ડિંડોલી સ્થિત આત્મીય સંસ્કારધામ સ્વામિનારાયણ મંદિર પહોંચી હતી. સીસીટીવી ફૂટેજ અને તપાસમાં જાણવા મળ્યું છે કે, તેઓએ સવારના સમયે જ આ અંતિમ પગલું ભરી લીધું હતું. મંદિરના કેમ્પસમાંથી તેમનું મોપેડ પણ મળી આવ્યું છે, જેનો ઉપયોગ તેઓ મંદિરે પહોંચવા માટે કર્યો હતો.













