ડ્રગ્સ માફિયાઓ સામે સુરત પોલીસે લાલ આંખ કરી છે. સુરત સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG)ને એક મોટી સફળતા મળી છે. જેમાં સુરત શહેરના પુણા વિસ્તારમાં ચાલતી હાઈટેક ડ્રગ્સ લેબોરેટરીનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. આ લેબમાં "હાઈ પ્યુરિટી ક્રિસ્ટલ મેફેડ્રોન" (MD Drugs) બનાવવામાં આવતું હતું. પોલીસે આ મામલે 20 લાખ રૂપિયાના મુદ્દામાલ સાથે 3 શખ્સોની ધરપકડ કરી છે.


ફૂડ ટેસ્ટિંગની આડમાં કાળો કારોબાર

પોલીસ તપાસમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે કે, ડ્રગ્સના સોદાગરોએ(પેડલર્સ) લોકોની નજરમાંથી બચવા માટે પુણા વિસ્તારમાં એક ઓફિસ ભાડે રાખી હતી. આ ઓફિસમાં 'ફૂડ ટેસ્ટિંગ લેબોરેટરી' હોવાનું બોર્ડ લગાવી તેની આડમાં અત્યંત ખતરનાક ક્રિસ્ટલ બેઝ MD ડ્રગ્સ તૈયાર કરવામાં આવતું હતું.




લંડન ટુ સુરત કનેક્શન

આ રેકેટના તાર સાત સમુદ્ર પાર લંડન સાથે જોડાયેલા છે. પ્રાથમિક વિગતો મુજબ, લંડનમાં રહેતો જનક નામનો યુવક આ આખી લેબોરેટરીનું ઓનલાઈન સંચાલન કરતો હતો. જ્યારે સુરતમાં બ્રિજેશ નામનો શખ્સ લેબના ગ્રાઉન્ડ લેવલનું કામ સંભાળતો હતો. કુલ 3 શખ્સો લેબમાં રહીને કેમિકલ પ્રોસેસ દ્વારા ડ્રગ્સ બનાવતા હોવાનું સામે આવ્યું છે.

શહેરમાં જ થતું હતું વેચાણ

સુરત SOG દ્વારા કરવામાં આવેલી દરમિયાન જાણવા મળ્યું કે, આ લેબમાં તૈયાર થયેલું શુદ્ધ ક્રિસ્ટલ ડ્રગ્સ સુરત શહેરના જ વિવિધ વિસ્તારોમાં વેચવામાં આવતું હતું. સુરત પોલીસ દ્વારા રેડ દરમિયાન ડ્રગ્સ બનાવવા માટેના સાધનો, કાચો માલ અને તૈયાર ડ્રગ્સ મળી કુલ 20 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. આ ઓપરેશનથી સુરતમાં ડ્રગ્સના મોટા સપ્લાય નેટવર્કને મોટો ફટકો પડ્યો છે. પોલીસ હવે એ દિશામાં તપાસ કરી રહી છે કે, લંડન બેઠેલા જનક સાથે અન્ય કેટલા લોકો સંકળાયેલા છે અને અત્યાર સુધી કેટલું ડ્રગ્સ બજારમાં વેચાઈ ચૂક્યું છે.


આ પણ વાંચો - Surat માં ફરી ‘મોતનું કાવતરું’, ડ્રેનેજ લાઈનમાં ઝેરી કેમિકલ ઠાલવતા બે ટેન્કર રંગેહાથ ઝડપાયા


  • Follow us on: