સુરત શહેરના વેડ રોડ વિસ્તારમાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે, જેમાં એક પુત્રએ જ પોતાની માતાની કરપીણ હત્યા કરી નાખી છે. પ્રાથમિક વિગતો મુજબ, વેડ રોડ પર આવેલી એક સોસાયટીમાં પુત્રએ અચાનક ઉશ્કેરાઈ જઈને પોતાની માતા પર ચપ્પા વડે હિંસક હુમલો કર્યો હતો. માતાના શરીર પર ચપ્પાના અસંખ્ય ઘા ઝીંકાયા હોવાથી તેઓ લોહીલુહાણ હાલતમાં ઢળી પડ્યા હતા અને ઘટનાસ્થળે જ તેમનું મોત નીપજ્યું હતું. આ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં ભય અને અરેરાટીનો માહોલ વ્યાપી ગયો છે.
વેડ રોડમાં રક્તરંજિત ખેલ
ઘટનાની જાણ થતા જ સ્થાનિક પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસની પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું છે કે હત્યા કરનાર પુત્ર છેલ્લા ઘણા સમયથી માનસિક બીમારીથી પીડાતો હતો. તેની સારવાર પણ ચાલી રહી હતી, પરંતુ અચાનક કયા સંજોગોમાં તેણે આટલું મોટું પગલું ભર્યું તે દિશામાં પોલીસ તપાસ કરી રહી છે. હાલમાં પોલીસે આરોપી પુત્રની અટકાયત કરી છે અને એફએસએલ (FSL) ની મદદથી પુરાવા એકત્રિત કરવાની કામગીરી શરૂ કરી છે.













