ડાયમંડ સિટી સુરતના પોશ ગણાતા અલથાણ વિસ્તારમાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. અહીં એક 20 વર્ષીય આશાસ્પદ વિદ્યાર્થિનીએ પોતાના ઘરે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા પરિવારમાં માતમ છવાઈ ગયો છે. અભ્યાસમાં તેજસ્વી એવી યુવતીના આ અંતિમ પગલાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે.


ઘટનાની વિગત

ઘટનાની મળતી માહિતી અનુસાર, અલથાણ વિસ્તારમાં રહેતી 20 વર્ષીય ખુશી અગ્રવાલે પોતાના જ ફ્લેટમાં કોઈ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ લીધો હતો. આ ઘટનાની જાણ પરિવારજનોને આજે સવારે થઈ હતી, જ્યારે તેઓએ ખુશીને લટકતી હાલતમાં જોઈ ત્યારે તેમના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. બનાવની જાણ થતા જ આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા અને પોલીસને જાણ કરવામાં આવી હતી.

વિદ્યાર્થિની અભ્યાસમાં હતી તેજસ્વી

મૃતક ખુશી અગ્રવાલ કોલેજના ત્રીજા વર્ષમાં (T.Y.B.Com) અભ્યાસ કરતી હતી. આ વિદ્યાર્થિની ભણવામાં ઘણી હોશિયાર હતી. પરીક્ષાઓના સમયે જ આશાસ્પદ યુવતીના મોતના સમાચારથી તેના મિત્રવર્તુળ અને કોલેજ પરિસરમાં પણ શોકનું મોજું ફરી વળ્યું છે. શું માનસિક તણાવ કે અભ્યાસનું ભારણ આ આત્મહત્યા પાછળ જવાબદાર છે? તે દિશામાં પણ તર્ક-વિતર્ક થઈ રહ્યા છે.

પોલીસ તપાસ શરૂ

ઘટનાની જાણ થતા જ અલથાણ પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી. પોલીસે પંચનામું કરી વિદ્યાર્થિનીના મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે સુરત સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડ્યો છે. પોલીસે હાલ અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. આત્મહત્યા પૂર્વે ખુશીએ કોઈ સ્યુસાઇડ નોટ લખી છે કે કેમ અને આ પગલું ભરવા પાછળનું સાચું કારણ શું છે, તે જાણવા માટે પોલીસ પરિવારજનોની પૂછપરછ કરી રહી છે.


આ પણ વાંચો - Surat: રામ રાખે તેને કોણ ચાખે, ભેસ્તાન આવાસમાં 5મા માળેથી પટકાયેલી 3 વર્ષની બાળકીનો ચમત્કારિક બચાવ


  • Follow us on: