સુરતમાં એસઓજીએ કુલ 13 કરોડથી વધુની કિંમતનો નશીલો પદાર્થ જપ્ત કર્યો છે, 384 કિલોથી વધુ ગાંજો પકડાયો, 136 કેસ કરાયા છે અને મેફેડ્રોનના 46 કેસમાં 1 કિલોથી વધુનો જથ્થો ઝડપાયો છે, ગાંજાના કેસોમાં સૌથી વધુ 206 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. સમગ્ર વર્ષ દરમિયાન કુલ 13,23,83,647થી વધુની કિંમતનો નશીલો પદાર્થ જપ્ત કરાયો છે.


સૌથી વધુ 136 કેસ ગાંજાના નોંધાયા છે, જેમાં 384 કિલોથી વધુ જથ્થો પકડાયો છે

મેફેડ્રોનના 46 કેસમાં 1 કિલો 272 ગ્રામ જથ્થો કિંમત 1.27 કરોડથી વધુ જપ્ત થયો છે, અફીણના 10 કેસ નોંધાયા છે, જેમાં અફીણ, પોષ ડોડા અને પાવડરનો સમાવેશ થાય છે, ચરસના 05 કેસમાં 987 ગ્રામથી વધુનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે, કોકેઈનના 1 કેસમાં 8.490 ગ્રામ અને હેરોઈનના 2 કેસમાં 19.677 ગ્રામ મુદ્દામાલ જપ્ત કરાયો છે, કોનેક્ષ ટી સિરપના 05 કેસમાં કુલ 571 નંગ બોટલો જપ્ત કરવામાં આવી છે અને ઉપરાંત કુલ 2095 નંગ નશાકારક ટેબ્લેટ જપ્ત થઈ છે.

ડ્રગ્સનું દૂષણ સમાજમાંથી કરો દૂર

નાર્કોટિક્સ રિવોર્ડ પોલિસી દ્વારા ગુજરાત યુવાનોને કેફી દ્રવ્યોની ચુંગાલમાંથી છોડાવવાની અને ડ્રગ્સ પેડલરોને સકંજામાં લેવાની દિશામાં આગળ વધ્યું છે.નાર્કો રિવોર્ડ પોલિસી લૉન્ચ કરતી વખતે ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ એવું જણાવ્યું હતું કે, “ડ્રગનું દૂષણ આપણા સમાજને નબળો પાડશે અને યુવાનો તેનાથી દૂર રહે એ જરૂરી છે. ડ્રગ્સ અસ્થાયી રૂપે હાઈ ફીલિંગ આપી શકે છે પરંતુ લાંબા ગાળે તે આપણા શરીરને ભયંકર નુકસાન કરે છે. કોઈ જગ્યાએ ડ્રગ્સ વેચાતું હોય અને એ અંગે યુવાનોને જાણ થાય તો તેમણે પોલીસ અને રાજ્યના ગૃહ વિભાગને માહિતગાર કરવા જોઈએ."

ફાઈટ અગેઈન્સ્ટ ડ્રગ્સ

ગુજરાત પોલીસે ડ્રગ્સ સામે ઝીરો ટોલરન્સની નીતિ અપનાવી છે અને એટલે જ તે ડ્રગ્સ પકડવામાં દેશભરમાં અગ્રેસર છે. ગુજરાત માદક પદાર્થોના દુરુપયોગને રોકવાના હેતુથી બાતમીદારો માટે રિવોર્ડ પોલિસી શરૂ કરનારું પહેલું રાજ્ય છે. ડ્રગ્સને નેસ્તનાબૂદ કરવાના પ્રયાસોમાં પોલીસ, કર્મચારીઓ/અધિકારીઓ અને બાતમીદારો પણ મહત્વનો ભાગ ભજવે છે. બાતમીદારોના જોખમને ધ્યાનમાં લેતાં અને રાજ્યમાં કેફી પદાર્થોનો વ્યાપાર અટકાવવા માટે ગુજરાત સરકારે પોલીસ અધિકારીઓ, કર્મચારીઓ તેમજ બાતમીદારોને પ્રોત્સાહન આપવા માટે નાર્કોટિક્સ રિવોર્ડ પોલિસી શરૂ કરી હતી. આ રિવોર્ડ પોલિસીનું અમલીકરણ સરકારના ગૃહ વિભાગ હેઠળ થાય છે.

નાર્કો રિવોર્ડ પોલિસી અંતર્ગત કયા કેસમાં રિવોર્ડ આપવામાં આવે છે?

1. બાતમીદારો, જેમણે આપેલી માહિતી નાર્કોટિક્સ ડ્રગ્સ અને સાયકોટ્રોપિક પદાર્થો તેમજ NDPS ઍક્ટ 1985 હેઠળ ગેરકાયદે હસ્તગત કરેલી મિલકતની જપ્તી તરફ દોરી જાય છે.

2. NDPS ઍક્ટ 1985 હેઠળ અધિકૃત અધિકારીઓ, જેઓ ગેરકાયદે પદાર્થોની જપ્તી કરે છે, સફળ ઇન્વેસ્ટિગેશન/પ્રોસિક્યુશન હાથ ધરે છે અને પોસ્ટ ઇન્વેસ્ટિગેશન કાર્ય દ્વારા ગુનો સાબિત કરે છે.

3. અન્ય વિભાગના અધિકારીઓ, જેઓ NDPS ઍક્ટ 1985ની જોગવાઈઓનું ઉલ્લંઘન સામે લાવવામાં મદદ કરે છે.

રિવોર્ડની રકમ શેના આધારે નક્કી થાય છે?

બાતમીદારે જપ્તીના સંદર્ભમાં આપેલ માહિતીની વિશિષ્ટતા અને ચોકસાઈ, લેવામાં આવેલ જોખમ અને તેનું પ્રમાણ વગેરે બાબતો રિવોર્ડની રકમ નક્કી કરતી વખતે ધ્યાનમાં લેવામાં આવે છે. તો સરકારી કર્મચારીઓ/અધિકારીઓ દ્વારા સફળ જપ્તી થઈ હોય તેવા કિસ્સાઓમાં તેમણે કરેલા વિશેષ પ્રયત્નો, કાર્યવાહીમાં લીધેલું જોખમ, સતર્કતા, પ્રતિબંધિત પદાર્થ સાથે સંકળાયેલા લોકોની ધરપકડ થઈ છે કે કેમ વગેરે બાબતો ધ્યાનમાં લેવામાં આવે છે. જે અધિકારી કે કર્મચારી તેની સામાન્ય ફરજના ભાગરૂપે મેળવેલા પુરાવા રજૂ કરે તેને કોઈ રિવોર્ડ આપવામાં આવતો નથી.

બાતમીદારને જપ્ત પદાર્થના 20 ટકા સુધીની રોકડ રકમ આપવામાં આવે છે

NDPS ઍક્ટ, 1985ની જોગવાઈઓ હેઠળ જપ્ત કરેલા પદાર્થોની ગેરકાયદેસર કિંમતના 20% સુધીની રકમ રિવોર્ડને પાત્ર હોય છે. સરકારી કર્મચારીઓ માટે તેમની સમગ્ર કારકિર્દી દરમ્યાન આ રિવોર્ડની મહત્તમ મર્યાદા ₹20 લાખ છે, જયારે એક જ કેસમાં કોઈ વ્યક્તિગત કર્મચારી કે અધિકારીને આપવામાં આવતી મહત્તમ રકમ ₹2 લાખ સુધીની છે. કોઈ ખાનગી વ્યક્તિએ ઑફિસ વર્કમાં મદદ કરી હોય તેને દરેક કેસ દીઠ ₹2500નો પુરસ્કાર આપવામાં આવે છે. કોઈ બાતમીદાર કે સરકારી કર્મચારીનું મૃત્યુ થઈ જાય તો તેમનો રિવોર્ડ તેમના કાનૂની વારસદાર કે નોમિનીને આપવામાં આવી શકે છે. આ રિવોર્ડ સંપૂર્ણપણે ઇનામ તરીકે ચૂકવવામાં આવે છે અને સક્ષમ સત્તાતંત્ર આ રિવોર્ડને મંજૂર કરે છે.


આ પણ વાંચો : Junagadh News : જૂનાગઢના માંગરોળમાં કાકાએ સગીર ભત્રીજી સાથે દુષ્કર્મ આચર્યુ, નગ્ન ફોટા પાડી બ્લેકઈમેઈલ કરતા મામલો આવ્યો સામે


  • Follow us on: