સુરતથી બેંગકોક જતી આંતરરાષ્ટ્રીય ફ્લાઇટમાં ટેકનિકલ કે અન્ય કારણોસર વિલંબ થતા પેસેન્જરો રઝળી પડ્યા હતા. નિર્ધારિત સમય મુજબ, ફ્લાઇટ સવારે 9:00 વાગ્યે રવાના થવાની હતી. આ માટે મુસાફરો વહેલી સવારથી જ એરપોર્ટ પર પહોંચી ગયા હતા અને તમામ ચેક-ઇન પ્રક્રિયા પૂર્ણ કરી લીધી હતી. જોકે, કલાકો વીતવા છતાં ફ્લાઇટના કોઈ ઠેકાણા નહોતા.
સાંજ સુધી ફ્લાઇટ ન આવતા આક્રોશ
સવારના 9 વાગ્યાની ફ્લાઇટ બપોરના 4 વાગ્યા સુધી પણ એરપોર્ટ પર ન પહોંચતા મુસાફરોમાં રોષ જોવા મળ્યો હતો. પેસેન્જરોનો આરોપ છે કે એરલાઇન્સ દ્વારા તેમને પૂરતી માહિતી આપવામાં આવી નહોતી કે ન તો ભોજન-પાણીની યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી હતી. નાના બાળકો અને વૃદ્ધો સાથે મુસાફરી કરી રહેલા લોકોની હાલત વધુ કફોડી બની હતી.













