શહેરને નશામુક્ત બનાવવા માટે ચાલી રહેલા 'નો ડ્રગ્સ ઇન સુરત સિટી' અભિયાન અંતર્ગત સલાબતપુરા પોલીસને મોટી સફળતા મળી છે. પોલીસે બાતમીના આધારે કાર્યવાહી કરી 15 ગ્રામ એમડી (MD) ડ્રગ્સ સાથે એક શખ્સની ધરપકડ કરી છે. પકડાયેલા આરોપીની ઓળખ આમીર ઉર્ફે અમુ ગયાજ શેખ તરીકે થઈ છે. પોલીસે તેની પાસેથી 15 ગ્રામ એમડી ડ્રગ્સ, મોબાઈલ ફોન અને રોકડ રકમ મળી કુલ રૂ.2.04 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આરોપી લાંબા સમયથી નશાના કાળા કારોબાર સાથે સંકળાયેલો હોઈ શકે છે.
આરોપીનો ગુનાહિત ઈતિહાસ
પકડાયેલ આરોપી આમીર રીઢો ગુનેગાર છે. તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે તેના વિરુદ્ધ અગાઉ વર્ષ 2015માં કડોદરા પોલીસ સ્ટેશનમાં હત્યાનો ગુનો પણ નોંધાઈ ચૂક્યો છે. હત્યા જેવા ગંભીર ગુનામાં સંડોવાયેલો હોવા છતાં તે ફરી એકવાર ડ્રગ્સના નેટવર્કમાં સક્રિય થયો હતો.













