સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી શહેરમાં તસ્કરોએ પોલીસને પડકાર ફેંકતા રહેણાંક વિસ્તારમાં ચોરીની ઘટનાને અંજામ આપ્યો છે. લીંબડીની જૂની સોસાયટી વિસ્તારમાં આવેલા બે બંધ મકાનોને તસ્કરોએ નિશાન બનાવી લાખોની કિંમતના મુદ્દામાલ પર હાથફેરો કરતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે.


તક જોઈ તસ્કરોએ ખેલ પાડી દીધો

ઘટનાની મળતી માહિતી અનુસાર, લીંબડીની જૂની સોસાયટીમાં આવેલા બે મકાનોના માલિકો બહાર ગયા હોવાથી તસ્કરોએ મોકો જોઈ રાત્રિના સમયે તાળા તોડ્યા હતા. તસ્કરોએ મકાનમાં રાખેલા કબાટના લોકર તોડી તેમાં રહેલા સોના-ચાંદીના દાગીના તેમજ રોકડ રકમની ચોરી કરી હતી. સવારે જ્યારે પડોશીઓએ મકાનના તાળા તૂટેલા જોયા ત્યારે આ ચોરીની ઘટના પ્રકાશમાં આવી હતી.

લાખોની મત્તાની ચોરીનું અનુમાન

જોકે ચોરી થયેલા મુદ્દામાલની ચોક્કસ વિગતો હજુ સામે આવી નથી, પરંતુ પ્રાથમિક અનુમાન મુજબ ચોરીની કિંમત લાખો રૂપિયામાં હોઈ શકે છે. મકાન માલિકો પરત આવ્યા બાદ ચોરી થયેલી ચીજવસ્તુઓની સાચી કિંમત જાણી શકાશે. રહીશોના જણાવ્યા મુજબ, રહેણાંક વિસ્તારોમાં પોલીસ પેટ્રોલીંગ વધારવાની જરૂર છે જેથી આવી ઘટનાઓ અટકાવી શકાય.

પોલીસ તપાસ તેજ

ઘટનાની જાણ થતા જ લીંબડી સ્થાનિક પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે પંચનામું કરી આસપાસના સીસીટીવી ફૂટેજ ચકાસવાની કાર્યવાહી હાથ ધરી છે. આ ઉપરાંત એફએસએલ (FSL) અને ડોગ સ્ક્વોડની મદદથી તસ્કરોનું પગેરું મેળવવાના ચક્રો ગતિમાન કર્યા છે. એક જ રાતમાં બે મકાનોમાં ચોરી થતા સ્થાનિક લોકોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે.


આ પણ વાંચો - Surendranagar : પાલ આંબલિયા સહિતના નેતાઓએ રાજુ કરપડા સાથે કરી મુલાકાત, કોંગ્રેસમાં જોડાવવા અપાયું નિમંત્રણ, વાંચો કરપડાનો જવાબ



  • Follow us on: