સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા તાલુકાના બામણવા ગામેથી એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. પ્રેમમાં નિષ્ફળતા અને સામાજિક મર્યાદાઓના કારણે એક પ્રેમી યુગલે ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી છે. કુટુંબી સગા હોવાના કારણે લગ્ન ગ્રંથિથી જોડાઈ ન શકવાના દુઃખમાં આ પ્રેમી-પંખીડાએ મોતને વહાલું કરતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે.
શું છે સમગ્ર ઘટના?
બામણવા ગામમાં રહેતા 21 વર્ષીય કુણાલ ઠાકોર અને 19 વર્ષીય જાનકી ઠાકોર છેલ્લા ઘણા સમયથી એકબીજાના પ્રેમમાં હતા. બંને લગ્ન કરીને સાથે જીવન વિતાવવા માંગતા હતા, પરંતુ તેઓ કુટુંબી સગા થતા હોવાથી સામાજિક અને પારિવારિક અવરોધો ઉભા થયા હતા. લોકમુખે ચર્ચાતી વિગતો મુજબ, બંને એક થઈ શકે તેમ ન હોવાથી તેમણે આ અંતિમ પગલું ભર્યું હોવાનું મનાય છે.













