ઉના તાલુકાના ભેભા ગામેથી એક અત્યંત ચકચારી અને હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. અહીં એક પતિએ સામાન્ય ઘર કંકાસમાં પોતાની જ પત્નીની નિર્દયતાપૂર્વક હત્યા કરી નાખતા સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે. જોકે, ઘટના બાદ ભાગવાની કોશિશ કરી રહેલા આરોપી પતિને જાગૃત ગ્રામજનોએ ઝડપી લેવામાં આવ્યો હતો. દોરડા વડે ઝાડ સાથે બાંધી પોલીસને હવાલે કર્યો હતો.
ગળાના ભાગે હથિયારના ઘા ઝીંક્યા
ઘટનાની મળતી માહિતી અનુસાર, ભેભા ગામે રહેતા દંપતી વચ્ચે છેલ્લા કેટલાક સમયથી ઘરેલું બાબતે ઝઘડા ચાલતા હતા. આજે આ કંકાસે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. ઉશ્કેરાયેલા પતિએ ધારદાર હથિયાર વડે પત્નીના ગળાના ભાગે જીવલેણ ઘા ઝીંકી દીધા હતા. હુમલો એટલો ગંભીર હતો કે પત્નીનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.













