સંસ્કારી નગરી વડોદરામાં જમીન પચાવી પાડવાના અને છેતરપિંડીના કિસ્સાઓ સતત વધી રહ્યા છે, ત્યારે વડોદરા શહેર પોલીસ દ્વારા એક મોટી કાર્યવાહી કરવામાં આવી છે. વડોદરા શહેર પોલીસે જાણીતા બિલ્ડર ભૂપેન્દ્ર શાહ ઉર્ફે ટીનાની ધરપકડ કરી છે. ગોત્રી વિસ્તારમાં કરોડોની કિંમતની જમીનનો બોગસ બાનાખત બનાવી છેતરપિંડી આચરવાના ગુનામાં પોલીસે આ પગલું ભર્યું છે.
શું છે સમગ્ર મામલો?
ઘટનાની મળતી વિગતો અનુસાર, ફરિયાદી દિલીપ સોનીની ગોત્રી વિસ્તારમાં આવેલી કિંમતી જમીન પર બિલ્ડર ભૂપેન્દ્ર શાહની નજર બગડી હતી. બિલ્ડરે આ જમીન હડપવા માટે કાયદાકીય ગૂંચ ઉભી કરવાના ઈરાદે જમીનનો ખોટો અને બોગસ બાનાખત બનાવી દીધો હતો. આ બાબતની જાણ જમીન માલિક દિલીપ સોનીને થતા તેમણે તાત્કાલિક પોલીસનો સંપર્ક કરી બિલ્ડર વિરૂદ્ધ લેખિત ફરિયાદ નોંધાવી હતી.
સાથીદારની પણ ધરપકડ
વડોદરા શહેર પોલીસ દ્વારા આ કેસમાં માત્ર ભૂપેન્દ્ર શાહ જ નહીં, પરંતુ આ કાવતરામાં તેની સાથે સંડોવાયેલા વિજય પંચાલ નામના શખ્સની પણ ધરપકડ કરી લેવામાં આવી છે. વડોદરા શહેર પોલીસે બંને આરોપીઓની કડક પૂછપરછ હાથ ધરી છે કે, આ કૌભાંડમાં અન્ય કોઈ મોટા માથાઓ સામેલ છે કે કેમ.
ગુનાહિત ઈતિહાસ
અત્રે ઉલ્લેખનીય છે કે, ધરપકડ કરવામાં આવેલા બિલ્ડર ભૂપેન્દ્ર શાહ ઉર્ફે ટીના કોઈ સામાન્ય ગુનેગાર નથી. તેની સામે અગાઉ પણ વડોદરાના મકરપુરા, માંજલપુર અને વાડી પોલીસ સ્ટેશનમાં છેતરપિંડી અને જમીન હડપવાના અનેક ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે. વારંવાર ગુનાહિત પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા આ બિલ્ડરની ધરપકડથી ભૂમાફિયાઓમાં ફફડાટ વ્યાપી ગયો છે. હાલમાં વાડી પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો - Vadodara News : ગંભીરા બ્રિજની કામગીરીમાં લેબર ઈજા પામેલ મજૂર અમદાવાદ ખાતે સારવાર હેઠળ