વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં ડ્રેનેજના ખુલ્લા મેનહોલમાં પડી જવાથી યુવકના મોતના મામલે વડોદરા પોલીસે આખરે કડક કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટનામાં બેદરકારી બદલ પોલીસે ઈજારો (કોન્ટ્રાક્ટ) ધરાવતી એજન્સીના મહિલા સંચાલિકાની ધરપકડ કરી છે.


શું હતી સમગ્ર ઘટના?

ઘટનાની મળતી માહિતી અનુસાર, વડોદરા શહેરમાં માંજલપુર પાણીની ટાંકી પાસે આવેલી ડ્રેનેજની લાઈનના મેનહોલ ખુલ્લા હોવાથી વિપુલસિંહ ઝાલા નામના યુવકનો ભોગ લેવાયો હતો. વિપુલસિંહ મેનહોલમાં પડી જતાં તેમનું કમકમાટીભર્યું મૃત્યુ નીપજ્યું હતું. આ ઘટના બાદ સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો અને જવાબદારો સામે પગલાં લેવાની માગ ઉઠી હતી.

કોની થઈ ધરપકડ?

માંજલપુર પોલીસ દ્વારા તપાસના અંતે 'ઇકો ફેસીલીટીઝ મેનેજમેન્ટ સર્વિસ'ના સંચાલિકા ઊર્મિ શર્માની ધરપકડ કરી લેવામાં આવી છે. આ એજન્સી પાસે ડ્રેનેજની જાળવણીનો ઈજારો હતો, પરંતુ સુરક્ષાના નિયમોના અભાવે આ ગંભીર અકસ્માત સર્જાયો હતો. પોલીસ તપાસમાં એજન્સીની સીધી બેદરકારી સામે આવતા આ કાર્યવાહી કરવામાં આવી છે.

કોર્પોરેશનના કર્મચારીઓની પણ પૂછપરછ

આ કેસમાં માત્ર કોન્ટ્રાક્ટર જ નહીં, પરંતુ સરકારી તંત્રની ભૂમિકા પણ તપાસ હેઠળ છે. પોલીસ દ્વારા વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન (VMC) ના લાગતા-વળગતા કર્મચારીઓના નિવેદનો પણ નોંધવામાં આવ્યા છે. આગામી સમયમાં આ કેસમાં અન્ય અધિકારીઓ સામે પણ તપાસનો ગાળિયો કસાય તેવી શક્યતા છે.


આ પણ વાંચો - Vadodara : SSC-HSC બોર્ડ પરીક્ષા માટે તૈયારીઓ પૂર્ણ, 72 હજારથી વધુ વિદ્યાર્થીઓ આપશે પરીક્ષા, એક કલાકની વધારાની છૂટછાટ આપવામાં આવશે


  • Follow us on: